ઓન્ટેરિયોમાં કોરોનાના કેસો પૈકી માત્ર પાંચ ટકાએ જ ચેપની જાણ માટે એલર્ટ એપનો ઉપયોગ કર્યો

October 25, 2020

  • ઓન્ટેરિયોમાં રપ૦૦૦થી વધુ કોરોનાના કેસ અત્યાર સુધી નોંધાઈ ચુકયા છે

ઓન્ટેરિયોઃ મહામારીના બીજા તબક્કામાં ઓન્ટેરિયોના કોરોના વાઈરસ કેસો પૈકી માત્ર ગણતરીના દર્દીઓએ જ કોવિડ એલર્ટ એપનો ઉપયોગ ચેપની જાણ માટે કર્યો હોવાનું બહાર આવતા આ એપની અસરકારકતા ઘટી રહી હોવાનું માનવામાં આવી રહયું છે. પ્રાંતિય સરકાર તરફથી મળતા આંકડાઓ મુજબ કોવિડ એલર્ટ એપનો ઉપયોગ કરનારા ૧૩પ૪ કેસોની જાણ જુલાઈની ૩૧મીએ એપ લોન્ચ થયા બાદ થઈ હતી. 

ઓન્ટેરિયોમાં રપ૦૦૦થી વધુ કોરોનાના કેસ અત્યાર સુધી નોંધાઈ ચુકયા છે. એટલે જો એપની અસરકારકતા જોવા જઈએ તો માત્ર પ ટકા લોકોએ જ તેમને ચેપ હોવાની જાણ એપ મારફતે કરી હતી. એપની રચના મુજબ જો કોઈ કોરોનાગ્રસ્ત વ્યકિત એપ ધરાવતો હોય તો એ બે મીટર દૂર હોય ત્યારે જ એપ ધરાવનારા અન્યને એની જાણ થઈ જતી હોય છે. જો કે, આ આંકડાઓથી એવું પણ પુરવાર થતું નથી કે એપ બરાબર કામ નથી કરતું એમ પબ્લીક હેલ્થના નિષ્ણાંતો માને છે. યુનિર્વસિટી ઓફ ટોરોન્ટોની ડાલા લાના સ્કુલ ઓફ પબ્લિક હેલ્થના એપીડેમીયોલોજીના એસોસિયેટ પ્રોફેસર સુસાન બોન્ડી કહે છે કે, પબ્લિક હેલ્થની બાબતમાં એવી માન્યતા છે કે, કોઈ પણ પદ્ધતિ હંમેશા માટે સંપૂર્ણ સાચી કે અસરકારક હોતી નથી. એટલે આપણે એની ટીકા ન કરવી જોઈએ.
મોબાઈલ ટેકનોલોજીનો આરોગ્ય માટે ઉપયોગ કરવાના નિષ્ણાંત અને યુનિર્વસિટી ઓફ ટોરોન્ટોની ઈન્સ્ટીટયૂટ ઓફ હેલ્થ પોલીસી, મેનેજમેન્ટ એન્ડ ઈવેલ્યુએશનના આસિસ્ટન્ટ પ્રોફેસર એમિલી સેટો કહે છે કે, એપ તો વાઈરસના પ્રસારને ઓછો કરવા માટેના ધારાધોરણોનો એક હિસ્સો જ છે. હું નથી માનતો કે એવું માની લેવુ યોગ્ય નથી કે આ એપ જ આપણા માટેનું મહત્વનું હથિયાર બની રહેશે. એ તો માત્ર એક સાધન છે. આપણે અત્યારે એવી પરીસ્થિતિમાં છીએ કે, આપણે દરેક સાધનનો ઉપયોગ કરવો જોઈએ, જે આપણા માટે ઉપયોગી બની શકે. આ એપને કેનેડામાં અંદાજે ૪.૭ મિલીયન ફોનમાં ડાઉનલોડ કરાયું છે. 
કયા પ્રાંતમાં કેટલા લોકોએ ડાઉનલોડ કર્યું છે એના વિગતવાર આંકડાઓ ઉપલબ્ધ નથી. છતાં એનો ઉપયોગ આઠ પ્રાંતોમાં થઈ રહ્યોે છે