ઓન્ટેરિયોએ કોવિડ-19 સબંધી નવા નિયમનો લાદતા ઇન્ડોર ડાઇનિંગ અને જીમ બંધ, શાળાઓ ઓનલાઇન

January 08, 2022

  • ઇન્ડોરમાં 5 અને આઉટડોરમાં 10થી વધુ સભ્યો એકત્ર નહિ થઇ શકે, ગ્રાહકોને હોમ ડિલિવરી માટે છૂટ અપાઈ
  • શાળાના મકાનોનો ઉપયોગ બાળકોની સારવાર અને ઓપરેશન માટે કરવામાં આવશે

ઓન્ટેરિયોઃ ઓન્ટેરિયોએ કોવિડ-19નો ફેલાવો જોતા નવા પ્રતિબંધો જાહેર કર્યા છે, તે મુજબ શાળાઓમાં રૂબરૂ હાજરીને બદલે ઓનલાઇન શિક્ષણ શરુ કરાયુ છે. આ ઉપરાંત ઇન્ડોર ડાઇનિંગ અને જિમ્નેશિયમ કા તો બંધ કરી દેવામાં આવ્યા છે અથવા તો તેની ક્ષમતામાં ઘટાડો કરાયો છે. આ પ્રતિબંધો ઓછામાં ઓછા 17 જાન્યુઆરી 2022 સુધી અમલમાં રહેશે. આ નવા નિયમનોમાં લોકોના ભેગા થવાની ક્ષમતા ઉપર પણ મર્યાદા મુકવામાં આવી છે. ઇન્ડોરમાં 5 અને આઉટડોરમાં 10થી વધુ સભ્યો એકત્ર નહિ થઇ શકે. 5મી જાન્યુઆરીથી આ નવો નિયમ અમલમાં આવે છે અને તે 21 દિવસ સુધી અમલમાં રહેશે એમ સોમવારે એક સરકારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. પ્રીમિયર ડોગ ફોર્ડે જણાવ્યું હતું કે, સરકારનો આ પગલાં લેવા પાછળનો તાત્કાલિક હેતુ કોવિડની આ નવી લહેરને ફેલાતી અટકાવવાનો છે. જેથી હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો વધે નહીં.

આજે આપણે નવા કેસોની સુનામીનો સામનો કરી રહ્યા છીએ અને આગામી દિવસોમાં તે વધુ ગંભીર બને તેવી શક્યતા છે. સરકારે જણાવ્યું હતું કે, 5મી જાન્યુઆરીથી હોસ્પિટલોને તમામ બિન-જરૂરી રોકાણો તથા બિન-જરૂરી સર્જરી ટાળવા અને હોસ્પિટલની કાર્યક્ષમતા ઉપર ધ્યાન આપવા જણાવવામાં આવ્યું છે. દરમિયાન છૂટક વેપાર જેવા કે દુકાન, મોલ્સ તથા અન્ય વ્યાપારી સંસ્થાનોની ક્ષમતા ઘટાડીને 50% કરવામાં આવી છે.
ઇન્ડોર ડાઇનિંગ અને રેસ્ટોરન્ટ તથા અન્ય ખાન-પાનની જગ્યાઓને બંધ કરી દેવાઈ છે અને તેઓને પોતાના ગ્રાહકોને હોમ ડિલિવરી માટે છૂટ આપવામાં આવી છે. થિયેટરો, ઇન્ડોર કોન્સર્ટ હોલ અને સિનેમા બંધ કરી દેવામાં આવ્યા છે. લગ્ન તથા અંતિમ ક્રિયા સમયે 50 લોકોથી વધુ લોકો હાજર રહી શકશે નહિ. બીજી તરફ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને વિદ્યાર્થીઓને રૂબરૂમાં શાળા જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શાળાના મકાનોનો ઉપયોગ બાળકોની સારવાર અને ઓપરેશન માટે કરવામાં આવશે. 
વિદ્યાર્થીઓને આ વિષયે ખાસ શિક્ષણ આપવામાં આવશે કે જેથી તેઓ ઘેર બેઠા પ્રાથમિક સારવાર શકે. આ દરમિયાન દૂર-દૂરના સ્થળોએ રિમોટ લર્નિંગની સુવિધા બાળકોને પુરી પાડવામાં આવશે તથા મોટા બાળકોને આરોગ્ય સબંધી પ્રાથમિક શિક્ષણ આપવામાં આવશે અને તે માટે આરોગ્ય સહાય કરાશે. ઘણા સ્થળોએ મોટાપ્રમાણમાં જોવા મળતી ગેરહાજરી એ દર્શાવે છે કે, શાળાઓ ચાલુ રાખવી યોગ્ય નથી. સાથે-સાથે શિક્ષકો બેકાર ના બને તે માટે તેઓ ઘરે બેસીને કામ કરે. સખત પગલાં વિના આપણે આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકીએ તેમ નથી. ફોર્ડે જણાવ્યું હતું કે, સરકારે વેપારીઓ અને ઉદ્યોગપતિઓને જણાવી દીધું છે કે, તેમના કર્મચારીઓ કામના સમયે યોગ્ય અંતર જાળવે અને જરૂરી પગલાંઓ લઈને તેમના આરોગ્ય તથા ઉત્પાદન બંને જળવાઈ રહે તેની ચોકસાઈ રાખે.