ઓન્ટેરિયોની પહેલી કોવિડ ફિલ્ડ હોસ્પિટલ બર્લગ્ટિંનમાં દર્દીઓ માટે ખુલ્લી મુકાઈ

January 09, 2021

  • દક્ષિણ ઓન્ટેરિયામાં કોવિડની સારવાર ક્ષમતામાં વધારો થશે

ઓન્ટેરિયો : ઓન્ટેરિયોની સૌથી પહેલી કોવિડ ફિલ્ડ હોસ્પિટલ મહામારી દરમિયાન બનીને તૈયાર થઈ છે અને આ અઠવાડિયાથી કોવિડ-૧૯ના દર્દીઓને સારવાર આપવાનું શરૂ થયું છે. ઓન્ટેરિયોના બર્લગ્ટિંનમાં તૈયાર થયેલી આ હોસ્પિટલ જોસેફ બ્રાન્ટ હોસ્પિટલના સંકુલમાં આવેલી છે જે સોમવારથી દર્દીઓની સારવાર આપી રહી છે. 
હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, વધતા જતા કોવિડના કેસોને કારણે દક્ષિણ ઓન્ટેરિયોમાં આવેલી હોસ્પિટલો પર કામનું દબાણ વધી રહયું હતું. જેને પગલે પહેલી કોવિડ ફિલ્ડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જેમાં દર્દીઓના સંબંધીઓની મંજુરી બાદ જ સારવાર શરૂ થાય છે. દક્ષિણ ઓન્ટેરિયોમાં 
હેમિલ્ટન, નાઈગ્રા, હેલ્ડીમન કાઉન્ટી અને બર્લગ્ટિંનનો સમાવેશ થાય છે. હેમિલ્ટન હૈલ્થ સાયન્સીસના સીઈઓ રોબ મેકઈસાકે કહ્યુંં હતું કે, પહેલી ફિલ્ડ કોવિડ હોસ્પિટલ શરૂ થવી જરૂરી હતી. કેમકે એનાથી હેલ્થ કેર સિસ્ટમની ક્ષમતા વધી શકી છે. 
આ વિસ્તારના દર્દીઓને ઓળખી લઈને એમની ઝડપી સારવાર થાય એ મહત્વનું હતું. આ એવી હોસ્પિટલ છે જયાં કોવિડના દર્દીઓને ઘરમાં મળી ન શકે એવી સારવાર આપી શકાય છે. જેમકે ઓકિસજન થેરપી અને દવાઓ તેમજ એમના સ્વાસ્થ્ય પર સતત ધ્યાન રહી શકે છે એમ આ અઠવાડિક પ્રેસ વિજ્ઞપ્તીમાં હોસ્પિટલના ચીફ ઓફ સ્ટાફ ડો.ઈયાન પ્રેયરાએ કહ્યુંં હતું. આ હોસ્પિટલનુું બાંધકામ નેટવર્ક કેપેસીટી વધારવાના ભાગરૂપે એપ્રિલથી શરૂ થયું હતું અને એને માટે અંદાજે ર મિલીયન યુએસ ડોલરનો ખર્ચ થયો છે, એની ક્ષમતા ૯૩ દર્દીઓની છે.