વિપક્ષો દ્વારા ચોમાસું સત્રનો બહિષ્કાર કરવાની જાહેરાત

September 22, 2020

નવી દિલ્હી : કૃષિ ખરડાના વિરોધમાં રવિવારે રાજ્યસભામાં ધાંધલ કરનારા અને ગેરશિસ્ત આચરનારા જે આઠ સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા એ સાંસદોએ સંસદભવનની બહાર ગાંધીજીની પ્રતિમા સામે આદરેલા ધરણાંનો આજે અંત આવ્યો હતો પરંતુ એ સાથેજ વિરોધ પક્ષોએ સંસદના બાકી રહેલા ચોમાસું સત્રનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.

કૃષિ ખરડા ખેડૂતોના હિતની વિરુદ્ધ હોવાનો દાવો કરીને રવિવારે રાજ્યસભામાં કોંગ્રેસ, આપ અને તૃણમૂલ કોંગ્રેસના સભ્યોએ ધાંધલ મચાવી હતી. રુલ્સ બુક ફાડી નાખી હતી. કૃષિ ખરડાની નકલો ફાડી નાખી હતી અને માઇક તોડી નાખ્યા હતા. પરિણામે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ આ તમામ સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. આ સભ્યોએ સંસદ ભવનની બહાર આવેલી ગાંધીજીની પ્રતિમાની સામે બેસીને રાતભર ધરણાં કર્યાં હતાં. આજે સવારે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ તેમને મળવા ગયા હતા અને તેમને ચા પાણી આપ્યાં હતાં.

જો કે દેખાવો કરી રહેલા સભ્યોમાંના સંજય સિંઘે હરિવંશને સંભળાવ્યું હતું કે આ પરિસ્થિતિ માટે તમે પણ જવાબદાર છો. હરિવંશ પોતે પણ ત્યાં ઉપવાસ પર બેસી ગયા હતા.

આજે સવારે વિપક્ષી સાંસદોએ સસ્પેન્ડ કરાયેલા આઠે આઠ સભ્યોનું સસ્પેન્શન રદ કરવાની માગણી કરી હતી પરંતુ રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ એ માગણી સ્વીકારી નહોતી અને કહ્યું હતું કે આ રીતે સંસદમાં ગેરશિસ્ત ચલાવી લઇ શકાય નહીં. નાયડુના મક્કમ નિર્ણયથી કંટાળીને વિપક્ષો સભાત્યાગ કરી ગયા હતા અને હવે બાકી રહેલા ચોમાસું સત્રના બહિષ્કારની જાહેરાત કરી હતી.