કેનેડામાં ફરી કોવિડ પ્રતિબંધો સામે વિરોધ, પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ

April 30, 2022

- ઓટાવાની સુરક્ષા માટે 800 સુરક્ષાકર્મી બોલાવાયા

ઓટાવા- કેનેડાના ઓટાવા ખાતે શુક્રવારે રાત્રિના સમયે કોવિડ-19 પ્રતિબંધોનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી અને તે દરમિયાન અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કોવિડ-19 પ્રતિબંધો વિરૂદ્ધ અવાજ ઉઠાવનારા જૂથ 'ફ્રીડમ ફાઈટર્સ કેનેડા' દ્વારા આયોજિત 'રોલિંગ થંડર' નામની રેલી દરમિયાન કેટલાક ટ્રક પાર્લામેન્ટ હીલ તરફ જવા પ્રયત્ન કરી રહ્યા હતા. 


ઓટાવા પોલીસે શુક્રવારે કહ્યું હતું કે, પ્રદર્શનકારીઓને લાંબા સમય સુધી પ્રદર્શન નહીં કરવા દેવામાં આવે. વિરોધ પ્રદર્શન શરૂઆતમાં શાંતિપૂર્ણ રહ્યું હતું પરંતુ સાંજે પોલીસે શહેરમાં ઘૂસવા પ્રયત્ન કરી રહેલા એક મોટા કાફલાને ચેતવણી આપી હતી. ગણતરીની પળોમાં સેંકડો પ્રદર્શનકારીઓ સંસદની બહાર ઉભેલા ટ્રકો પાસે એકઠા થઈ ગયા હતા. 
પોલીસે લોકોને ટ્રક પાસે જતાં અટકાવવા માટે તેમને પાછા ધકેલ્યા હતા અને અનેક પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી. તે પૈકીના અનેક પ્રદર્શનકારીઓ ગત વર્ષે 3 સપ્તાહ સુધી ચાલેલા ફ્રીડમ કોન્વોય કાફલાનો પણ હિસ્સો હતા. આ પ્રદર્શનના કારણે ઓટાવા સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. કેનેડાએ પ્રદર્શનના કારણે પ્રથમ વખત ઈમરજન્સી સિચ્યુએશન અધિનિયમ લાગુ કરી દીધો હતો. 


ઓટાવા પોલીસે શુક્રવારે વચન આપ્યું હતું કે, પ્રદર્શનકારીઓને શહેરમાં લાંબા સમય સુધી રોકાવાની મંજૂરી નહીં આપવામાં આવે. આરસીએમપી, ઓંટારિયો પ્રાંતીય પોલીસ અને ક્ષેત્રીય પોલીસ સેવાઓના 800 સુરક્ષાકર્મીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. તેમને શહેરના પ્રત્યેક પ્રખ્યાત ચાર રસ્તાની રક્ષા કરવાની અને પ્રદર્શનકારીઓના વાહનોને અટકાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રદર્શનની શરૂઆત શાંતિપૂર્વક નારાઓ સાથે થઈ હતી પરંતુ મોડી સાંજે પ્રદર્શનકારીઓનો એક મોટો કાફલો સંસદીય પરિસરની બહાર એકઠો થયો હતો.