સેકન્ડરી પહેલાં પ્રાઇમરી શાળાઓ ખોલવી વધુ હિતાવહ : આઈસીએમઆર 

July 21, 2021

નવી દિલ્હી: આઇસીએમઆરના વડા ડૉ. બલરામ ભાર્ગવે મંગળવારે સલાહ આપી હતી કે સેકન્ડરી શાળાઓ ખોલતાં પહેલાં પ્રાઇમરી શાળાઓ ખોલવી જોઇએ કારણ કે નાના બાળકો પુખ્તો કરતાં કોરોનાના સંક્રમણને સારી લડત આપી શકે છે. શાળાઓ શરૂ કરતાં પહેલાં શિક્ષકો, તમામ સપોર્ટ સ્ટાફ અને બસના ડ્રાઇવર સુધીનાને કોરોનાની રસી આપવી જોઇએ.  આઈસીએમઆરના વડાએ જૂન-જુલાઇ મહિનામાં દેશના ૨૧ રાજ્યના ૭૦ જિલ્લામાં હાથ ધરાયેલા સિરો સર્વેના પરિણામ જાહેર કર્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, અમે તેમાં ૬ થી ૧૭ વર્ષની વયજૂથના બાળકોનો પણ સમાવેશ કર્યો છે. દેશની ૬૭.૬ ટકા વસતીમાં સિરો પ્રિવેલન્સ એટલે કે કોરોનાના એન્ટિબૉડી મળી આવ્યાં છે તેનો અર્થ એ થયો કે દેશની ૬૭.૬ ટકા વસતી કોરોના વાઇરસથી કોઇને કોઇ રીતે સંક્રમિત થઇ ચૂકી છે. ૬ થી ૯ વર્ષના ૫૭.૨ ટકા, ૧૦ થી ૧૭ વર્ષના ૬૧.૬ ટકા, ૧૮થી ૪૪ વર્ષના ૬૬.૭ ટકા અને ૪૫થી ૬૦ વર્ષના ૭૭.૬ ટકા લોકોમાં કોરોનાની એન્ટિબૉડી મળી છે. તેનો અર્થ એ થયો કે દેશની ૪૦ કરોડ વસતી પર હજુ કોરોના સંક્રમણનું જોખમ તોળાઇ રહ્યું છે તેથી કોરોના પ્રોટોકોલનું ચોકસાઇથી પાલન કરવાની જરૂર છે. સિરો સર્વેમાં ૭૨૫૨ આરોગ્ય કર્મચારીઓ પર અભ્યાસ કરાયો હતો જેમાંથી ૧૦ ટકાએ કોરોનાની રસી લીધી નહોતી. તેઓમાંથી ૮૫.૨ ટકામાં કોરોનાના એન્ટિબૉડી મળ્યાં હતાં.