શ્રીલંકામાં હિંસા કરનાર પ્રદર્શનકારીઓને ગોળી મારવાનો આદેશ

May 10, 2022

કોલંબોઃ ભારતનો પાડોશી દેશ શ્રીલંકા આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. દેશમાં સરકાર વિરુદ્ધ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ વિરોધ પ્રદર્શન હિંસક બન્યું છે. હવે આ વિરોધને રોકવા માટે રક્ષા મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. જાણવા મળી રહ્યું છે કે હિંસા કરનાર વિરુદ્ધ શૂટ એટ સાઇટ એટલે કે તત્કાલ ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. દેશમાં ચાલી રહેલું વિરોધ પ્રદર્શન ઉગ્ર બની ગયું છે જેમાં કાલે એક સાંસદનું પણ મોત થયું હતું. 


આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં લોકો સરકાર વિરુદ્ધ સતત પ્રદર્શન કરી રહ્યાં છે. આ વચ્ચે પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ સોમવારે પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. ત્યારબાદ દેશમાં વિરોધ પ્રદર્શન હિંસક બની ગયું. હિંસામાં અત્યાર સુધી એક સાંસદ સહીત 5 લોકોના મોત થયા અને 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રદર્શનકારીઓએ રાજપક્ષેના ઘરને પણ નિશાન બનાવ્યું હતું. તેમના ઘરને આગના હવાલે કરી દેવામાં આવ્યું હતું. 


શ્રીલંકામાં સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ મંગળવારે રાજપક્ષે પરિવારના વફાદારોને દેશમાંથી ભાગતા રોકવા માટે કોલંબોના ભંડારનાયકે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ આવતા રસ્તા પર તપાસ ચોકી બનાવી દીધી હતી. ત્યારબાદ મહિન્દા રાજપક્ષેએ પોતાના પરિવારની સાથે પ્રધાનમંત્રીનું સત્તાવાર નિવાસ્થાન ટેમ્પલ ટ્રીઝ છોડી દીધુ હતું. તેમણે ટ્રિંકોમાલીના સૈન્ય ઠેકાણા પર શરણ લીધી છે.