'અસલી' માસ્ટર માઈન્ડ વિનોદ અદાણી 'નકલી' કંપનીઓ થકી અબજો ડોલર ઠાલવે છે

February 22, 2023

અમદાવાદ : હિન્ડેનબર્ગના અહેવાલમાં અદાણી જૂથ દ્વારા જે રીતે શેરના ઊંચા ભાવ લઇ જવા માટે ગેરરીતિ આચરી છે, ટેક્સ હેવનમાં નોંધાયેલી કંપનીઓ દ્વારા શેર ખરીદી, પોતાની સહયોગી કંપનીઓ થકી જ તેની લે-વેચ કરી હોવાનો આક્ષેપ છે તેમાં સૌથી વધુ સવાલ ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી સામે ઉઠાવવામાં આવ્યા છે. હવે, હિન્ડેનબર્ગના ચોંકાવનારા અહેવાલ બાદ અદાણી જૂથ સામે ફોર્બ્સ મેગેઝીને હવે સ્ફોટક અહેવાલ આપ્યો છે.

ફોર્બ્સનો  આ અહેવાલ પણ જણાવે છે કે જૂથના વડા ગૌતમ અદાણીના મોટાભાઈ વિનોદ અદાણી સાથે જોડાયલા ઓફશોર ફંડ્સની નાણાકીય લેવડદેવડનો લાભ પણ ભારતમાં અદાણીની લીસ્ટેડ કંપનીઓને થઇ રહ્યો છે. વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદી બહાર પ્રકાશિત કરવા માટે પ્રખ્યાત ફોર્બ્સ જણાવે છે કે આ નાણાકીય વ્યવહારો અગાઉ ક્યારેય બહાર આવ્યા નથી અને આ વ્યવહારો હિન્ડેનબર્ગનો અહેવાલ ખરેખર સાચો હોય એવું પુરવાર કરે છે એમ ફોર્બ્સ માને છે.

હિન્ડેનબર્ગના અહેવાલમાં વિશ્વના સૌથી ધનિક એવા ગૌતમ અદાણીના જૂથની કંપનીઓ સામે શેર પાર્કિંગ, શેરના ભાવમાં ગેરરીતી આચરવી અને ટેક્સ હેવનમાં રહેલી કંપનીઓ થકી નાણાકીય લેવડદેવડના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં ગૌતમ અદાણીના નામનો ૫૦ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે પણ તેમના મોટા ભાઈ અને બિનરહીશ ભારતીય એવા વિનોદ અદાણીનો ઉલ્લેખ ૧૫૪ વખત કરવામાં આવ્યો છે. હિન્ડેનબર્ગનો આક્ષેપ છે કે વિનોદ અદાણી સેંકડો નકલી કંપનીઓ થકી અબજો ડોલરની રકમ ખાનગી કંપનીઓ થકી અદાણીની લીસ્ટેડ કંપનીઓમાં ઠાલવે છે. આ પ્રવૃત્તિ અંગે કોઈ માહિતી ભારતમાં નિયમ અનુસાર, શેરહોલ્ડરોને જાહેર કરવામાં આવતી નથી. પોતાના સહયોગીઓ થકી જ આ રીતે શેર હોલ્ડ કર્યા હોવાથી અદાણીએ ભારતીય શેરબજારમાં જનતાનું ૨૫ ટકા શેરહોલ્ડીંગ હોવું જોઈએ એના નિયમોનું પાલન કર્યું છે.