ઓસાકા ઓસ્ટ્રેલિયન ઓપનમાં બીજી વખત ચેમ્પિયન બની

February 21, 2021

મેલબોર્નઃ જાપાનની મહિલા ટેનિસ સ્ટાર નાઓમી ઓસાકાએ અમેરિકાની જેનિફર બ્રાડીને સીધા સેટમાં ૬-૪, ૬-૩થી હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન-૨૦૨૧ વિમેન્સ સિંગલ્સનો તાજ જીતી લીધો હતો. ઓસાકાએ કારકિર્દીમાં આ ચોથો અને ઓસ્ટ્રેલિયન ઓપનના સ્વરૂપે બીજો ગ્રાન્ડસ્લેમ જીત્યો છે. તે બે વખત યુએસ ઓપનમાં પણ ચેમ્પિયન બની ચૂકી છે. ફાઇનલ મુકાબલો જીતવા માટે એક કલાક ૧૭ મિનિટનો સમય લેનાર ઓસાકાએ સેમિફાઇનલમાં ૩૯ વર્ષિય અમેરિકાની સેરેના વિલિયમ્સને ૬-૩, ૬-૪ના સ્કોરથી હરાવી હતી. ફાઇનલ મુકાબલામાં બ્રાડી એક પણ વખત ઓસાકાને પડકાર ફેંકી શકશે તેવું ક્યારેય લાગ્યું નહોતું. વિશ્વની ત્રીજી ક્રમાંકિત ઓસાકાએ અત્યાર સુધી ચાર વખત ગ્રાન્ડસ્લેમની ફાઇનલ રમી છે અને તે તમામમાં ચેમ્પિયન બની છે. બીજી તરફ વિશ્વની ૨૪મી ક્રમાંકિત બ્રાડી પ્રથમ વખત કોઈ ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં રમી રહી હતી. અગાઉ ૨૦૧૮ના યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં સેરેનાના પરાજય આપનાર ઓસાકા સતત ચોથા ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પહોંચી હતી. તેણે ગ્રાન્ડસ્લેમમાં પોતાના વિજયી અભિયાનને ૨૧ મેચ સુધી પહોંચાડી દીધું છે. જાપાનીઝ ખેલાડી ૨૦૧૯ના પ્રારંભમાં ઓસ્ટ્રેલિયન ઓપન વિમેન્સ સિંગલ્સમાં પણ ચેમ્પિયન બની હતી. તેણે ૨૦૧૮ તથા ૨૦૨૦માં રમાયેલા યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ પણ પોતાના નામે કર્યા હતા. ૨૦૨૦ના યુએસ ઓપનની ફાઇનલમાં ઓસાકાએ બેલારસની વિક્ટોરિયા અઝારેન્કોને ૧-૬, ૬-૩, ૬-૩થી હરાવી હતી.
અમેરિકાની બ્રાડીએ સેમિફાઇનલમાં ચેક રિપબ્લિકની કેરોલિના મુચોવાને ત્રણ સેટ સુધી રમાયેલા મુકાબલામાં ૬-૪, ૩-૬, ૬-૪થી હરાવી હતી. બ્રાડી પ્રથમ વખત કોઈ ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં રમી છે.