સ્થપતિ બાલકૃષ્ણ દોશીને પદ્મ ભૂષણ ૭ ગુજરાતીઓ પદ્મશ્રીથી સન્માનિત

January 27, 2020

ગાંધીનગર- પ્રજાસત્તાક પર્વ પૂર્વેની સંધ્યાએ ભારત સરકારે વિશ્વ વિખ્યાત સ્થપતિ બાલકૃષ્ણ દોશીને પદ્મ ભૂષણ અને સાત ગુજરાતીઓને પદ્મશ્રીનું સન્માન આપવાનું જાહેર કર્યું છે. જેમાં રંગમંચના તખ્તેથી ગુજરાતી ભાષા, જીવનને પ્રસ્તૃત કરનારા યઝદી કરંજિયા, સંતુ રંગીલી ફેઈમ સરિતા જોષી તેમજ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનો પણ સમાવેશ થાય છે.


સ્થાપત્ય શિક્ષણ માટે ગુજરાતને સેપ્ટ જેવી સંસ્થા આપનારા સ્થપતિ બાલકૃષ્ણ દોશીનો પદ્મ ભૂષણ સન્માન માટે પસંદ કરવામા આવ્યા છે. જ્યારે પદ્મશ્રી એવોર્ડ માટે વેપાર અને ઉદ્યોગની શ્રેણીમાં ગફુરભાઈ બિલાખિયા, સાહિત્ય અને શિક્ષણક્ષેત્ર માટે ધરમસિહ દેસાઈ યુનિવર્સિટીના એચ.એમ.દેસાઈ, વિજ્ઞાન અને ઈજનેરીક્ષેત્રે IIT ગાંધીનગરના ડાયરેક્ટર સુધીર જૈન, નાટયક્ષેત્રે યઝદી નૌશિરવાન કરંજિયા, સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે નારાયણ જોષી કરાયલ તેમજ શાહબુદ્દીન રાઠોડ તેમજ મેડિસિન ક્ષેત્રે ડો.ગુરદીપસિંહની પંસદગી ગુજરાતમાંથી કરવામાં આવી છે.


મુંબઈમાં ગુજરાતી નાટકો સાથે સંકળાયેલા સરિતા જોષીને મહારાષ્ટ્રથી પદ્મશ્રી માટે પસંદ કરવામાં આવ્યા છે. તેવી રીતે ગુજરાતી મુળના જગદીશ શેઠને પણ અમેરિકાથી આ સન્માન માટે ભારત સરકારે પસંદ કર્યા છે