ટી20 વર્લ્ડ કપ યુએઇમાં યોજવા પાકની આઇસીસીને રજૂઆત

February 23, 2021

લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચેરમેન એહસાન મનીએ જણાવ્યું હતું કે આગામી ટી૨૦ વર્લ્ડ કપ ભારતના બદલે યુએઇ શિફ્ટ કરવો જોઈએ, કારણ કે ભારતે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ, તેના પત્રકારો અને પ્રશંસકો માટે ઇવેન્ટ માટે વિસા આપવાની લેખિતમાં ખાતરી આપી નથી. પીસીબીના મુખ્યમથકેથી પત્રકારો સાથેના સંવાદમાં મનીએ જણાવ્યું હતું કે તેમણે આઇસીસી સમક્ષ તેમનું આ મંતવ્ય રજૂ કર્યું છે. મનીએ જણાવ્યું હતું કે ક્રિકેટના બિગ થ્રીએ તેમના મનોવલણને બદલવાની જરૃર છે. અમે ફક્ત અમારી ટીમ માટે જ લેખિતમાં વિસાની ખાતરી ઇચ્છીએ છીએ તેવું નથી, પરંતુ પત્રકારો, રમતપ્રેમીઓ અને અધિકારીઓ માટે પણ આ પ્રકારની ખાતરી ઇચ્છીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે અમે આઇસીસીને જણાવ્યું છે કે ભારતે માર્ચના અંત સુધીમાં લેખિત ખાતરી આપવી જોઈએ, જેથી અમે અમારું વલણ સ્પષ્ટ કરી શકીએ અથવા વિશ્વ કપ ભારતમાંથી યુએઇમાં ખસેડવા પર ભાર આપી શકીએ. 
ભારતમાં ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ટી૨૦ વર્લ્ડ કપ યોજાવવાનો છે. મનીએ જણાવ્યું હતું કે તેઓ બીસીસીઆઇ પાસેથી પાકિસ્તાનના સમગ્ર કાફલા માટે સલામતી વ્યવસ્થા ઇચ્છે છે. બંને દેશો વચ્ચેના વર્તમાન સંબંધોને ધ્યાનમાં રાખીને આ પ્રકારની ખાતરી જરૃરી છે. મનીએ જણાવ્યું હતું કે વિદેશી ટીમો પાકિસ્તાન રમવા માટે આવે તે માટે તેમને સમજાવવા પીસીબીએ ઘણી મહેનત કરી છે. તેના પગલે ઝિમ્બાબ્વે સામે ત્રણ વન-ડે યોજી શકાઈ છે.