પાકિસ્તાને અફઘાનિસ્તાન જતી ફલાઈટ્સ રદ કરી, તાલિબાન પર દરમિયાનગીરીનો આરોપ

October 15, 2021

ઈસ્લામાબાદ  :પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચેના સંબંધોમાં ખટાશ જોવા મળી રહી છે. પાકિસ્તાનની સરકારી એરલાઇન્સ કંપની પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)એ અફઘાનિસ્તાન જતી તમામ ફ્લાઈટ્સ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ગુરૂવારે તેની શરૂઆત પણ થઈ ગઈ છે.

પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર અને PIA બંનેને સતત ફરિયાદ મળી રહી હતી કે તાલિબાનના સત્તાધીશો PIAના ફ્લાઈટ ઓપરેશનમાં તમામ પ્રકારના રોડા નાખી રહ્યાં છે અને લગભગ તેઓ નથી ઈચ્છતા કે પાકિસ્તાનની કોઈ ફ્લાઈટ કાબુલ કે અફઘાનિસ્તાનની જમીન પર લેન્ડ થાય.

'ઝિયો ન્યૂઝ' મુજબ અફઘાનિસ્તાન અને ખાસ કરીને કાબુલ એરપોર્ટમાં પાકિસ્તાન એરલાઇન્સના કર્મચારીઓને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. તાબિલાનના ત્યાં હાજર અધિકારીઓ ફ્લાઈટ ઓપરેશનમાં દરમિયાનગીરી કરે છે. આ કારણ જ છે કે ફ્લાઈટ ઓપરેશન બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ તાલિબાને પાકિસ્તાનને કહ્યું હતું કે તેઓએ ફ્લાઈટ્સની ટિકિટના ભાવ ઘટાડવા પડશે. તાલિબાનનો આરોપ છે કે મુશ્કેલીના સમયમાં PIA ફાયદો ઉઠાવી રહી છે, ઓગસ્ટ પછી ટિકિટ ઘણી જ મોંઘી કરી દીધી છે. જો કે પાકિસ્તાન ટિકિટના ભાવ ઘટાડવા તૈયાર ન હતા.