પાકિસ્તાને પીઓકેના એક હિસ્સાને ચીનને વેચી દેવાનો પ્લાન ઘડયો

May 13, 2022

લાહોર : આતંકને પોષતું પાકિસ્તાન ભારતને હેરાન પરેશાન કરવા માટે નીત નવા ષડયંત્રો રચતું રહે છે. એકવાર ફરીથી તેણે ષડયંત્ર રચ્યું છે. પોતાનું કરજ ચૂકવવા માટે તેણે એક પીઓકેના એક હિસ્સાને ચીનને વેચી દેવાનો પ્લાન ઘડયો છે. પાકિસ્તાનની સ્થિતિ પણ કઈ સારી નથી. આર્થિક રીતે ખખડી ગયેલું પાકિસ્તાન ધીરે ધીરે શ્રીલંકા જેવી સ્થિતિ તરફ જઈ રહ્યું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં આવતી હુંઝા ઘાટી પાકિસ્તાન ચીનને ભાડેપટ્ટે આપવાની યોજના ઘડી રહ્યું છે. 

અહીં એકવાત સમજવા જેવી છે કે એકવાર જો ચીન પાસે તે ગયું તો હંમેશા માટે ત્યાં ચીનનો કબજો જામી જશે. એવું પણ કહેવાય છે કે પાકિસ્તાન ચીનને ત્યાં ખનનની મંજૂરી આપવા પણ તૈયાર છે. અત્રે જણાવવાનું કે આ પહેલા આવું અગાઉ ૧૯૬૩માં બની ચૂકયું છે. પાકિસ્તાને પીઓકેના ૫ હજાર વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી શક્સગામ વેલી ચીનને આપી હતી જેના પર આજે પણ ચીનનો કબજો છે. હવે હુંઝા ઘાટી ચીનને મળવાની ચર્ચાઓ  થતા વિસ્તારમાં સ્થાનિક લોકોનો વિરોધ શરૂ થઈ ગયો છે. સ્થાનિક લોકોમાં પણ પાકિસ્તાનની સરકારની યોજનાથી નારાજગી છે. 

ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોનો પાકિસ્તાનની સેના સાથે સંઘર્ષ છેલ્લા કેટલાક સમયથી ખુબ વધી ગયો છે. સ્કાર્દૂમાં સ્થાનિક લોકોએ સેનાના અધિકારીઓ અને તેમના વાહનો પર પથ્થરમારો પણ કર્યો હતો. એવું પણ કહેવાય છે કે પાકિસ્તાની સૈનિકો તેમના જનપ્રતિનિધિઓની  પીટાઈ કરી રહ્યા છે જેને લઈને પણ લોકોમાં ગુસ્સો છે. હાલમાં જ અવાજ ઉઠાવવા બદલ ગિલગિટ બાલ્ટિસ્તાનના પર્યટન અને સ્વાસ્થ્ય મંત્રી રાજા નાસિર અલી ખાનની પીટાઈ કરાઈ હતી. તેમણે સ્કાર્દૂ રોડ પર સેનાના અધિગ્રહણનો વિરોધ કર્યો હતો. 

અત્રે જણાવવાનું કે રાજા નાસિર અલી ખાન પૂર્વ પીએમ ઈમરાન ખાનના કટ્ટર સમર્થક ગણાય છે. એવું કહેવાય છે કે આ વિસ્તાર હુંઝા ઘાટીના નાગરમાં યુરેનિયમ અને અન્ય ખનીજોનો ભંડાર છે જેના પર ડ્રેગનની લાંબા સમયથી નજર હતી. યુરેનિયમનો ઉપયોગ પરમાણુ બોમ્બ બનાવવામાં અને બીજી ઘણી રીતે બહોળા પ્રમાણમાં થાય છે. આ જ કારણે ચીની સૈનિકો હુંઝાના ઉપલા વિસ્તાર ચપુરસાન ઘાટીમાં સુરંગ ખોદીને ખનીજો શોધતા રહે છે.