ભારતને રાફેલ મળવાથી પાકિસ્તાનની ચિંતા વધી ઃ પાક. વિદેશ મંત્રાલય

August 01, 2020

નવી દિલ્હી- ભારતનાં અત્યાધુનિક રાફેલ ફાઇટર વિમાનોએ પાકિસ્તાનની ચિંતા વધારી દીધી છે. ફ્રાન્સથી રાફેલ વિમાનોએ ઉડાન ભરી તે દરમિયાન પાકિસ્તાન હવાઇ દળનાં વડા આર્મી ચીફ જનરલ બાજવાને મળ્યા હતા. હવે વિદેશ મંત્રાલયની પ્રવક્તા આઇશા ફારુકીએ રાફેલ અંગે નિવેદન આપ્યું છે.
પોતાની મીડિયા બ્રીફિંગમાં ફારૂકીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને ભારતના તાજેતરના સૈન્ય સોદાની નોંધ લીધી છે. આ રાફેલ જેટ ડ્યુઅલ ક્ષમતાવાળી ટેકનોલોજીથી સજ્જ છે.
પરમાણુ શસ્ત્રો લઈ જવા માટે પણ તેમાં પરિવર્તન લાવી શકાય છે. સ્વાભાવિક છે કે ભારત તેના પરમાણુ શસ્ત્રોનું વિસ્તરણ કરવાની સાથે તેમનાં આધુનિકીકરણનું પણ વિસ્તરણ કરી રહ્યું છે.
પ્રવક્તાએ વધુમાં આરોપ લગાવ્યો, "વિશ્વનાં બીજા સૌથી મોટા શસ્ત્ર આયાતકાર બનીને ભારત હિંદ મહાસાગર ક્ષેત્રમાં પરમાણુ શસ્ત્રોની રેસમાં વધારો કરી રહ્યું છે." ભારત તેની જરૂરિયાતો કરતા સૈન્ય શસ્ત્રોની સંખ્યામાં વધારો કરી રહ્યું છે, જે ચિંતાજનક છે.'