ટાટા-મિસ્ત્રીની જંગમાં પાલોનજી ગ્રૂપે SCમાં કર્યો દાવો, ટાટામાં અમારી ભાગીદારીની કિંમત 1.75 લાખ કરોડ

October 30, 2020

મુંબઈ : ટાટા ગ્રૃપ અને સાયરસ મિસ્ત્રી વચ્ચે છેલ્લા 4 વર્ષથી કાનૂની લડાઈ ચાલી રહી છે. જેનો હવે અંત આવતો જોવા મળી રહ્યો છે. શાપૂરજી પાલોનજી સમૂહએ ટાટા ગ્રૃપથી અલગ થવાની યોજના સુપ્રીમ કોર્ટમાં સોંપી દીધી છે. શાપૂરજી પાલોનજી સમૂહ અને ટાટાનો સંબંધ લગભગ સાત દાયકા જૂનો છે. સાયરસ મિસ્ત્રીને 28 ઓક્ટોબર, 2016ને ટાટા સન્સના ચેરમેન પદેથી હટાવી દીધા હતા.

મિસ્ત્રી પરિવાર તરફથી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું કે, ટાટામાં તેમની ભાગીદારીનું મૂલ્ય 1.75 લાખ કરોડ રૂપિયા બેસે છે. શાપૂરજી પાલોનજી સમૂહે કોર્ટમાં દાવો કર્યો કે, ટાટા સન્સ પ્રભાવી રીતે બે ગ્રૃપની કંપની છે, તેમા ટાટા સમૂહમાં ટાટા ટ્રસ્ટ, ટાટા પરિવારના સભ્ય અને ટાટાની કંપનીઓ સામેલ છે. તેમની ટાટા સન્સમાં કુલ ઈક્વિટી શેર કેપિટલ 81.6 ટકા છે. તો મિસ્ત્રી પરિવાર પાસે 18.37 ટકા ભાગીદારી છે. અને તે પોતાની ભાગીદારી વેચવા માગે છે. તો ટાટા આ હિસ્સો ખરીદવા માગે છે. આ જાણકારી ટાટાએ સુપ્રીમ કોર્ટને આપી હતી.

મિસ્ત્રી પરિવારના સૌથી અગત્યના સભ્ય સાયરસ મિસ્ત્રીને વર્ષ 2012માં ટાટા સન્સના ચેરમેન બનાવાયા હતા. પણ આજથી લગભગ બે વર્ષ પહેલાં 28 ઓક્ટોબર 2016માં તેઓને ચેરમેન પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. અને ત્યારથી જ સાત દાયકા જૂના આ સંબંધમાં કડવાશ આવી હતી. અને તે બાદથી જ બંને વચ્ચે લાંબી કાનૂની લડાઈ ચાલી રહી છે. જે હવે પૂરી થવાની આશા જાગી છે.