પનામા બાદ પેન્ડોરા ઃ કંપની-ટ્રસ્ટો કરચોરીના ઠેંકાણા

October 16, 2021

  • દુનિયાભરના શ્રીમંત લોકો ટેક્સ હેવન ગણાતા દેશોમાં મોટાપાયે ગુપ્ત રીતે રોકાણમાં વ્યસ્ત
  • કર ચોરી માટે દુનિયાના અનેક ધનિકો દ્વારા દેશ-વિદેશમાં 29,000 કંપનીઓ અને ટ્રસ્ટ સ્થપાઈ ગયા, પન્ડોરા પેપર્સમાં 300થી વધારે ભારતીયોના નામ સામેલ
તાજેતરમાં પન્ડોરા પેપર્સમાં ૧૪ કંપનીના લાખો દસ્તાવેજ લીક થતાં કર્ણભેદી વિસ્ફોટ થયો છે. આ સાથે જ દુનિયાભરના પોલિટિશ્યનો, અબજોપતિઓ અને અન્ય ક્ષેત્રની નામી હસ્તીઓ ટેક્સ બચાવવા માટે કેવા-કેવા પેંતરા કરે છે, કેવા-કેવા ગતકડાં કરે છે, કઈ રીતે ટેક્સ હેવન્સનો ઉપયોગ કરે છે તે બહાર આવ્યું. તેમાં ભારતની ૩૦૦ જેટલી હસ્તિઓના નામ છે. આવનારા દિવસોમાં વધુ નામનો ધમાકો થઈ શકે છે. પેન્ડોરાના બોક્સમાંથી નીકળેલા કાગળીયામાંથી જાણવા મળ્યું છે કે, ટેક્સ ચોરી માટે દેશ-વિદેશમાં ૨૯,૦૦૦ કંપનીઓ અને ટ્રસ્ટ સ્થાપવામાં આવ્યા છે. વિવિધ દેશના વેપારીઓ, નેતાઓ, ઉદ્યોગપતિઓ, ખેલાડીઓ અને કલાકારોએ છુપાવેલા ધનને એક્સપોઝ કરવાનું પરાક્રમ ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેશન જર્નલિઝમ દ્વારા કરાયું છે. અત્યાર સુધીની આ સૌથી મોટી વૈશ્વિક તપાસ છે. જેમાં ૧૪૦ મીડિયા હાઉસે ભાગ લીધો હતો. ૬૪ લાખ દસ્તાવેજ, ૩૦ લાખ તસવીર, ૧૦ લાખ ઇમેઇલ અને પાંચ લાખ સ્પ્રેડશીટ્સ તપાસવામાં આવી રહી છે. જેમાં કરચોરોમાં અનિલ અંબાણી, નીરવ મોદીની બહેન કિરણ મજુમદાર, સચિન તેંડુલકર સહિત અનેક મોટા-મોટા નામ છે. પનામા કૌભાંડ બહાર આવ્યા પછી ધનકુબેરોએ પૈસા છુપાવવાની મોડસ ઓપરેન્ડી બદલી નાખી છે. સચિન તેંડુલકરે પનામા પેપર્સ લીક થયાના ત્રણ જ મહિનામાં બ્રિટિશ વર્જિન આઈલેન્ડમાં પોતાની હિસ્સેદારી વેચી નાખી હતી. હવે, કરચોરો વિદેશમાં શેલ કંપની સ્થાપવાને બદલે એકથી વધારે ટ્રસ્ટ સ્થાપીને તેમાં પૈસા છુપાવી રહ્યા છે.  જેમાં ભારતના કરચોરો એકલા નથી. રશિયા, અમેરિકા, મેક્સિકો સહિત ૧૩૦ દેશોના ધનિકો પણ આ જ કારભાર કરે છે. જોર્ડનના રાજા, યુક્રેન, કેન્યા અને ઈકવાડોરના રાષ્ટ્રપતિ, ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી અને બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયરનું પણ નામ તેમાં સામેલ છે.
કમસેકમ ૩૫ દેશના રાષ્ટ્રપતિઓનું નામ ટેક્સ ચોરીમાં લેવાઈ રહ્યું છે. આ ઉપરાંત ૧૦૦૦ એવી વિદેશી કંપનીઓ જે ૩૩૬ મંત્રીઓ, નેતાઓ અને સરકારી અધિકારીઓ દ્વારા ઊભી કરવામાં આવી છે તેનો ઉલ્લેખ પણ પેપર્સમાં કરાયો છે.   પેન્ડોરા પેપર્સમાં બહાર આવ્યું છે કે, પનામાની લિગલ ફર્મ એલ્કોગોલની મદદથી કમસેકમ ૩,૯૨૬ બોગસ કંપનીઓ સ્થાપવામાં આવી છે. આ બાબતમાં વિવિધ બેન્કોએ પણ મદદકર્તાની ભૂમિકા ભજવી છે. અમેરિકાની બેન્ક મોર્ગન સ્ટેનલીએ બ્રિટિશ વર્જિન આઈલેન્ડમાં ૩૧૨ કંપનીઓની સ્થાપના કરાવી છે. બ્રિટનના મહારાણી એલિઝાબેથની આવક તેમની ખાનગી એસ્ટેટ ડચી ઓફ લેન્કેસ્ટરના માધ્યમથી થાય છે. આ કંપનીએ બર્મુડા અને કેમન દ્વીપ ઉપર ૧ કરોડ પાઉન્ડનું ગેરકાયદે રોકાણ કર્યું છે.  અમેરિકાની સુપ્રસિદ્ધ ગાયિકા મેડોનાએ મેડિકલ સપ્લાય કંપનીમાં રોકાણ કરીને ટેક્સ ચોરી કરી છે. અભિનેત્રી કાયરા નાઈટલીએ જર્સીની એક કંપનીમાં પૈસા છુપાવ્યા છે. અઝરબેઇજાનના રાષ્ટ્રપતિના પરિવારે બ્રિટનમાં ૪૦ કરોડ ડોલરની સંપત્તિ છુપાવી છે. ધનિકો પૈસા છુપાવા માટે ટેક્સ હેવન્સમાં એક ડબ્બા કંપની ઊભી કરે છે.  એ કંપની થકી બીજી કંપની અન્ય દેશમાં બનાવે છે અને તે કંપની થકી ઇચ્છિત ક્ષેત્રમાં રોકાણ કરે છે. જેના કારણે અસલમાં કોના પૈસા છે અને કોને રોકાણ કર્યું છે તે ખબર પડતી નથી. બ્રિટનમાં નામ છુપાવી શકાય એવી ઑફશોર કંપની બનાવવી સૌથી સહેલી છે. તેનું કારણ એ છે કે ત્યાં કાયદામાં સુવિધા રૂપી છિંડા રહેલા છે. અમુક કંપનીઓનું કામ જ ઑફશોર કંપની બનાવવાનું હોય છે. આના માટે તે પૈસા લે છે. દુનિયાભરમાં ૫.૬ ટ્રિલિયન ડોલરથી લઈને ૩૫ ટ્રિલિયન ડોલર સુધીની રકમ એટલે કે અંદાજે રૂ. ૨૭૦૦ લાખ કરોડ જેટલી રકમ ઑફશોર કંપનીઓમાં સંતાડવામાં આવેલી હોવાનો અંદાજ છે.
આ એ જ પૈસા છે જેના ૩૦ ટકા પણ ટેક્સ રૂપે ચૂકવવામાં આવે તો દુનિયાના કરોડો ગરીબોને ઘર મળી જાય, કરોડોને નોકરી મળી જાય, અનાજ મળી જાય, શિક્ષણ મળી જાય અને દવા મળી જાય. છેલ્લા સાત વર્ષમાં ફિન્સ એન્ડ ફાઈલ્સ, પેરેડાઈઝ પેપર્સ, પનામા પેપર્સ, લક્સ લિક્સ, પેનડોરા પેપર્સ એમ એક પછી એક ધડાકા થયા છે પણ દુનિયાના દેશોએ તેમાંથી ધડો લઈ આવું થતું અટકે એ માટેની કોઈ વ્યવસ્થા ઉભી કરી નથી.  આ પેપર્સ આઈલેન્ડ, પનામા, બેલિઝ, સાયપ્રસ, સંયુક્ત આરબ અમિરાત, સીંગાપોર અને સ્વીત્ઝર્લેન્ડની ૧૪ કંપનીમાંથી લીક થયા છે. વિદેશોમાં ૯૫ હજાર જેટલી બોગસ કંપનીઓ સ્થાપીને ટેક્સ છુપાવવામાં આવ્યો છે. 
ઇન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (આઇસીઆઇજે)એ એક કરોડ ૨૦ લાખ દસ્તાવેજોની એક વર્ષ સુધી તપાસ કરીને આ ખુલાસો કર્યો છે. હકીકતમાં પનામા પેપર્સના ખુલાસા બાદ ધનકુબેરોએ પોતાની સંપત્તિ છુપાવવા માટે નવા રસ્તા શોધી લીધાં છે જે અંગેની જાણકારી પેન્ડોરા પેપર્સમાં આપવામાં આવી છે.  આઇસીઆઇજેના દાવા અનુસાર દુનિયાના અનેક ઉદ્યોગપતિઓ વિદેશોમાં ટ્રસ્ટ સ્થાપિત કરી રહ્યાં છે જેથી પોતાના નાણાને જુદાં જુદાં હિસ્સામાં વહેંચીની સરકારની નજરોમાંથી બચાવી શકે. જેમાં ભારત, રશિયા, અમેરિકા અને મેક્સિકોસહિત અનેક દેશોના ૧૩૦ અબજોપતિઓ સામેલ છે. આ દસ્તાવેજોમાં ઓછામાં ઓછા ૩૫ વર્તમાન અથવા ભૂતપૂર્વ રાષ્ટ્રાધ્યક્ષોના નામ સામેલ છે.  
આઇસીઆઇજેનું કહેવું છે કે ધનકુબેરો દુનિયાના દરેક ભાગમાં સક્રિય છે. અમેરિકા સહિત દુનિયાના સૌથી શ્રીમંત દેશોની આર્થિક રાજધાનીઓ આમાં સામેલ છે. પેન્ડોરા પેપર્સ બહાર આવતા ફરી વખત ઑેફશોર કંપનીઓ અને ટેક્સ હેવન દેશો જેવા નામ ચર્ચામાં આવ્યાં છે.  ટેક્સ હેવન એવા દેશને કહેવામાં આવે છે જે રાજકીય અને આર્થિક રીતે સ્થિર માહોલમાં વિદેશી વ્યક્તિઓ કે કોર્પોરેટ્સને સાવ નજીવા ટેક્સના દરે રોકાણ કરવાની સગવડ કરી આપે છે. આવા દેશોમાં આવક ઉપર કોઇ પ્રકારનો ટેક્સ લાગતો નથી. વળી, આવા દેશોમાં ટેક્સ સંબંધી લાભ ઊઠાવવા માટે એ દેશમાં રહેવાની કે ન તો એ દેશમાં બિઝનેસ ઓપરેટ કરવાની જરૂર પડે છે. કોઇ બીજા દેશમાં રહેતાં અને બીજે ક્યાંય પણ વેપાર કરતા લોકો પણ આવા દેશોની બેંકોમાં પૈસા રાખી શકે છે. સ્વીટ્ઝર્લેન્ડ, હોંગકોંગ, મોરેશિયસ, મોનાકો, પનામા, બહામાસ, એન્ડયોરા, બર્મૂડા, બ્રિટીશ વર્જિન આઇલેન્ડ્સ, કેમેન આઇલેન્ડ્સ, ચેનલ આઇલેન્ડ્સ, કૂક આઇલેન્ડ, લિંકેસ્ટાઇન બેલીઝ જેવા દેશો ટેક્સ હેવન દેશોની યાદીમાં આવે છે. ભારત સરકારે અગાઉ કહ્યું હતું કે પનામા પેપર્સ અને પેરેડાઇઝ પેપર્સમાં જેમના નામ બહાર આવ્યાં છે તેમની તપાસ થઇ રહી છે. પરંતુ પનામા પેપર્સ અને એ પછી પેરેડાઇઝ પેપર્સમાં જેમના નામ બહાર આવ્યાં હતાં તેમની વિરુદ્ધ કોઇ કાનૂની કાર્યવાહી થઇ હોવાનું જાણમાં નથી. ખરેખર તો ભારતમાં એવો કાયદો જ નથી જે સાબિત કરે કે આવા રોકાણ કાયદેસર છે કે ગેરકાયદે. ભારતમાં ડબલ ટેક્સેશનલ અવોયડન્સ એગ્રીમેન્ટ છે. જે અંતર્ગત એવા દેશો જ્યાં ભારતની સરખામણીમાં ટેક્સ રેટ ઘણો ઓછો છે ત્યાં કંપનીઓ અને કોર્પોરેટ્સમાં ઇન્વેસ્ટ કરનારા લોકો ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટનો ઉપયોગ કરીને કાયદેસર રીતે ટેક્સ છૂટનો લાભ લઇ શકે છે.