કોરોનાથી ગભરાટ યથાવત, મહત્તમ કેનેડીયનોને હજુ પ્રવાસમાં ખચકાટ

July 19, 2021

  • એર કેનેડાએ વિશ્વભરના ૧૧ સ્થાનો માટેની ૧૭ રૂટોની ફલાઈટસ શરૂ કરવાની તૈયારી દર્શાવી
ટોરોન્ટો : પૂર્ણ રીતે વેકસીનેટેડ હોય એવા કેનેડીયન્સ અને પરમેનન્ટ રેસીડેન્ટસ માટે પ્રવાસ પ્રતિબંધોમાં છૂટછાટની જાહેરાતને પગલે એર કેનેડાએ વિશ્વભરના ૧૧ સ્થાનો માટેની ૧૭ રૂટોની ફલાઈટસ શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. આ સમાચાર ત્યારે આવ્યા છે જયારે પ્રવાસ વિશેનો એક સરવે પણ સામે આવ્યો છે. જેમાં જાણવા મળે છે કે, ઘણાં કેનેડીયનો હજુ દૂરના પ્રવાસ માટે તૈયાર નથી. 
કેટલાકે વેકેશન માટેના પ્રવાસનું બુકિંગ કરાવ્યું છે. પણ એ બધા જ ઉનાળાના વેકેશનમાં પોતાના ઘરથી નજીકના પર્યટન સ્થળે જવાનું પસંદ કરે છે. સર્વેક્ષણમાં ભાગ લેનારાઓ પૈકીના પોણાભાગના લોકોએ કહ્યું હતું કે, હજુ ત્રણ માસ સુધી તેઓ કોઈ એવા પ્રવાસનું આયોજન નહીં કરે, જેમાં ઘરથી વધુ દૂર રહેવાનું હોય.
એટલે લંડન કે પેરીસ જવાને બદલે કાલગેરી કે હેલીફેકસ જવાનું પસંદ કરશે. હજુ વેકસીનેશન ચાલી રહ્યું છે અને વધુને વધુ લોકો વેકસીન લઈ રહ્યાં છે. જેઓ વિદેશ પ્રવાસ વિશે વિચારી શકશે. આ સર્વેક્ષણ હાથ ધરનારી વેબસાઈટ ફિન્ડર ડોટકોમ સાથે સંકળાયેલા નિકોલ મેકનાઈટ કહે છે કે, એક વાત સ્પષ્ટ છે કે, વિદેશ પ્રવાસ માટે હજુ મોટાભાગના કેનેડીયનોના મનમાં ખંચકાટ છે.
ફાઈન્ડરના સર્વેમાં ૧૩ ટકા લોકોએ સ્થાનિક પ્રવાસનું આયોજન પણ ત્રણ માસ પછી કરવાની જ વાત કરી હતી. માત્ર સાત ટકાએ જ વિદેશ પ્રવાસની તૈયારી દર્શાવી હતી. જયારે માત્ર બે ટકાએ જ સ્થાનિક અને વિદેશ પ્રવાસની તૈયારી દર્શાવી હતી. જે પુરી રીતે વેકસીનેટેડ છે એવા કેનેડીયનોએ વિદેશથી પાછા ફર્યા બાદ કવોરન્ટાઈન નહીં થવું પડે એવી જાહેરાત થઈ હોવાથી લોકો વિદેશ પ્રવાસ માટે તૈયાર થશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. બીજી તરફ વેકસીનેશન ઝુંબેશ પણ ઝડપભેર આગળ વધી રહી છે. આવનારા ત્રણ માસમાં ઘણું કામ થઈ જશે એટલે લોકો પણ વિદેશ પ્રવાસ માટે તૈયાર થઈ શકશે.