પેરિસ ઓલિમ્પિક : ગાર્ડનમાં રાત વિતાવવા મજબૂર બન્યો ગોલ્ડ મેડાલિસ્ટ ખેલાડી, કારણ ચોંકાવનારું

August 06, 2024

પેરિસ ઓલિમ્પિક્સ 2024ની શરૂઆત થતા પહેલા જ વિવાદમાં આવી ગયો હતો. પેરિસ ઓલિમ્પિકસ પોતાના નબળા મેનેજમેન્ટને કારણે વિશ્વભરમાં હેડલાઇન્સ બની રહ્યું છે. પહેલા સીન નદીના નબળા પ્રવાહનો મુદ્દો, કાળઝાળ ગરમી આ બધી બાબતો પર એથ્લેટ્સ વારંવાર ફરિયાદ કરી રહ્યા છે. પરંતુ હવે જે મામલો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. ઓલિમ્પિકસ ગોલ્ડ મેડલ વિજેતા ઓલિમ્પિકસ વિલેજમાં પોતાના રૂમથી કંટાળીને પાર્કમાં સૂતો જોવા મળ્યો હતો. આ ગોલ્ડ મેડલ વિજેતા ઈટાલિયન સ્વિમર થોમસ સેકોન છે. ગોલ્ડ મેડલ વિજેતા થોમસ સેકોન પેરિસ ઓલિમ્પિકસ વિલેજના ખરાબ મેનેજમેન્ટથી એટલો નારાજ હતો કે તે પાર્કમાં સુવા મજબુર બન્યો હતો. સાઉદી અરેબિયાના રોવર હુસૈન અલીરેઝાએ પાર્કમાં એક ઝાડ નીચે સૂતા સેકોનનો ફોટો શેર કર્યો છે. પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીતનાર સેકોને ઓલિમ્પિકસ વિલેજની રહેવાની વ્યવસ્થાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. આ સિવાય સેકોને આ અંગે જાહેરમાં ફરિયાદ પણ કરી હતી. તેણે કહ્યું કે અતિશય ગરમી અને ઘોંઘાટને કારણે હું ઊંઘી શકતો નથી. આ કારણથી ઘણાં એથ્લેટ્સ ચિંતિત છે.  થોમસ સેકોન સિવાય બીજા ઘણાં એથ્લેટ્સએ પેરિસ ગેમ્સ વિલેજમાં અવ્યવસ્થાને લઈને ફરિયાદ કરી છે. જેમાં કોકો ગફ, એરિયન ટિટમસ અને એસિયા તોતીનો સમાવેશ થાય છે. આ તમામે વિલેજની સુવિધાઓ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન સ્વિમર ટિટમસે કહ્યું હતું કે, 'જો હું વધુ સારી જગ્યાએ રહેતી હોત તો કદાચ મે વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો હોત. ઓલિમ્પિકસ વિલેજનું મેનેજમેન્ટ ખૂબ જ ખરાબ છે જેના કારણે એથ્લેટ્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.'