સંસદ અહંકારની ઈંટોથી નહીં, પરંતુ બંધારણીય મૂલ્યોથી બને છે: રાહુલ ગાંધી

May 24, 2023

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે નવા સંસદભવન પર એક ટ્વીટ કરતા કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઉદ્ઘાટન ન કરવું અને તેમને સમારોહમાં આમંત્રણ ન આપવું એ દેશના સર્વોચ્ચ બંધારણીય પદનું અપમાન છે. આ ઉપરાંત પણ તેમણે લખ્યું હતું કે, સંસદ અહંકારની ઈંટોથી નહીં, પરંતુ બંધારણીય મૂલ્યોથી બને છે. પીએમ મોદીના હસ્તે સંસદના ઉદઘાટન અંગે સૌથી પહેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ સવાલ ઊઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ઉદઘાટન પ્રધાનમંત્રીએ નહીં પણ રાષ્ટ્રપતિએ કરવું જોઈએ. તેમના પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે સહિત અનેક વિપક્ષી દળોએ મોરચો ખોલ્યો હતો. હવે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના, કોંગ્રેસ, આપ, એનસીપી, સીપીઆઈ, સીપીએમ, એઆઈએમઆઈએમ, આરજેડી અને જેડીયુએ પણ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે. બંગાળની સત્તાધારી પાર્ટી ટીએમસી અને તમિલનાડુની ડીએમકે પણ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપે.