ઓછા મતદાનથી પાટીલની ચિંતા વધી, ચૂંટણી પરિણામ પહેલા તાબડતોબ કાર્યવાહી

December 06, 2022

આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જિલ્લા પ્રમુખોની એક બેઠક બોલાવી હતી


જસદણ બેઠક પર ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ, ભાજપના નેતાએ કોંગ્રેસના નેતાનો પ્રચાર કર્યો


અમદાવાદ- ગુજરાતમાં મતદાન પૂર્ણ થયું છે અને આઠમી ડિસેમ્બરે પરિણામ આવશે. ત્યારે મતદાન બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલમાં ભાજપ બહુમત તરફ આગળ હોવાનું તારણ રજુ કરવામાં આવ્યું હતું. પરંતુ ગુજરાતમાં આ વખતે સરેરાશ 64 ટકા જેટલું મતદાન થયું હોવાથી ત્રણેય પક્ષોમાં ચિંતા છે. એક્ઝિટ પોલમાં ભલે ભાજપને બહુમત મળી રહ્યો હોય પણ ઓછા મતદાનને લઈને પક્ષમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એક બેઠક બોલાવી હતી.

જેમાં જિલ્લાઓના પ્રમુખો સાથે ચર્ચાઓ કરી હતી. પાટીલે જિલ્લાવાર થયેલા ઓછા મતદાનને લઈને સમીક્ષા કરી હતી. હવે પરિણામમાં શું થાય છે એના પર નેતાઓની નજર જામેલી છે. બીજી બાજુ ભાજપમાં ઉકળતો ચરૂ હોવાનું પણ સામે આવ્યું છે. 


બંને તબક્કામાં થયેલા કુલ મતદાનના ફાઈનલ આંકડા ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કામાં કુલ 64.30 ટકા મતદાન નોંધાયું છે. જે ગત ચૂંટણી કરતા 4 ટકા ઓછું છે. ગુજરાતમાં 2017માં બંને તબક્કામાં કુલ 68 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, રાજ્યમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં નોંધાયું છે. નર્મદા જિલ્લામાં કુલ 78.42 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન બોટાદ જિલ્લામાં નોંધાયું છે. બોટાદ જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે.