મુંબઇમાં પેટ્રોલ રૂ. ૧૦૨/લિટર નજીક પહોંચ્યું, રાજસ્થાનમાં ડીઝલ રૂ. ૧૦૦ને પાર જવાની તૈયારીમાં

June 10, 2021

નવી દિલ્હી : એક દિવસના વિરામ બાદ સરકારી ઓઇલ વિતરણ કંપનીઓએ ફરી એકવાર દેશની જનતાને ભાવવધારાનો ડામ આપતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો હતો. તેના પગલે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૨૫-૨૫ પૈસાનો વધારો થયો હતો. ગુજરાતના અમદાવાદમાં પેટ્રોલના ભાવ બુધવારે ૨૪ પૈસા વધીને રૂ.૯૨.૫૨ પ્રતિ લિટર થયા છે, જ્યારે ડીઝલના ભાવ ૨૭ પૈસા વધીને રૂ.૯૩.૧૧  પ્રતિ લિટર થયા છે.  દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂપિયા ૯૫.૫૬ અને ડીઝલની કિંમત રૂપિયા ૮૬.૪૭ પ્રતિ લિટર નોંધાઇ હતી. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇ શહેરમાં પેટ્રોલની કિંમત રૂ. ૧૦૨ની નજીક રૂપિયા ૧૦૧.૭૬ પ્રતિ લિટર પર પહોંચી ગઇ હતી.   દેશના ૬ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર૩, આંધ્રપ્રદેશ, તેલંગણા અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત રૂપિયા ૧૦૦ને પાર કરી ગઇ છે. મહત્ત્વની વાત એ છે કે, ચાર મેથી ૯ જૂન સુધીમાં પ્રજા ઉપર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ૨૧ વાર વધારો ઝીંકવામાં આવ્યો છે જેમાં મે મહિનામાં ૧૬ વાર અને જૂન મહિનામાં પાંચ વાર વધારો થઇ ચૂક્યો છે. જેના પગલે દિલ્હીના ભાવ પ્રમાણે પેટ્રોલની કિંમતમાં રૂપિયા ૫.૧૬ અને ડીઝલમાં રૂપિયા ૫.૭૪ પ્રતિ લિટરનો વધારો થઇ ચૂક્યો છે.
વૈશ્વિક બજારોમાં બુધવારે બીજા સેશનમાં ક્રૂડની કિંમતોમાં વધારો થયો હતો. પશ્ચિમના દેશોમાં ક્રૂડની વધી રહેલી માગ અને ઇરાનના ક્રૂડ સપ્લાયની આશાઓ પર પાણી ફરી વળતાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ૩૭ સેન્ટ વધીને ૭૨.૫૯ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી હતી. કારોબાર દરમિયાન બ્રેન્ટ ક્રૂડની કિંમત ૭૨.૮૩ ડોલર પ્રતિ બેરલને આંબી ગઇ હતી જે ૨૦મે ૨૦૧૯ પછીની સૌથી ઊંચી કિંમત છે. મંગળવારે બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ૧ ટકાનો વધારો થયો હતો.