કોરોનાથી મોત બદલ વળતર ચૂકવો: સરકારને SCની ટકોર

July 03, 2021

ભારતમાં કોરોનાકાળમા મોદી સરકારની અનેક નીતિઓ અને યોજનાઓ વિવાદમાં રહી છે. સરકારની મનષા સામે સતત સવાલો થતા રહ્યો છે. હાલમાં જ હિજરતી કામદારોના મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ખખડાવી એ વાતને ચોવીસ કલાક પણ વીત્યા નહીં ત્યાં બુધવારે મોદી સરકાર ફરી સુપ્રીમ કોર્ટની ઝપટે ચડી ગઈ. કોરોનાના કારણે મોતને ભેટનારી દરેક વ્યક્તિના પરિવારને ચાર-ચાર લાખનું વળતર આપવું જોઈએ એવો કેન્દ્ર સરકારને આદેશ આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. જો કે, મોદી સરકારે આ મામલે હાથ અધ્ધર કરી દીધા છે. કોરોના કાળમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આવા લોકોને સરકારે વળતર આપવું પડે તેમ છે. પરંતુ મોદી સરકારને તો પૈસા ઉઘરાવવામાં જ હોય તેમ હજુ સુધી કોઈ ફોડ પડાયો નથી. દેશમાં કોરોનાને કારણે લાખો લોકોના અંતિમ સંસ્કાર સરકારની ગાઈડલાઈન પ્રમાણે કરાયા છે. હવે મહામારી ઘોષિત થયા પછી કોરોનાની જે ગાઈડલાઈન સરકારે નક્કી કરેલી છે તે પ્રમાણે અંતિમ સંસ્કાર થયા હોય તેવા લાખો પરિવારને સરકારે સહાય કે વળતર આપવું પડે તેમ છે.  સુપ્રીમ કોર્ટે બુધવારે એક અરજી સંદર્ભે જ સરકારને ફરમાન કર્યું કે, કોરોનાના કારણે મોતને ભેટનારી દરેક વ્યક્તિના પરિવારને વળતર આપવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) ગાઈડલાઈન તૈયાર કરે તે આવશ્યક છે. આ સાથે જ આ ઓથોરિટીએ દેશમાં કોરોનાને કારણે મોતને ભેટલાના દરેક પરિવારને ઉચ્ચક કેટલી રકમ આપવી એ અંગે પણ સરકારને ભલામણ કરવી. જસ્ટિસ અશોક ભૂષણના વડપણ હેઠળની ત્રણ જજની બેંચે દરેક પરિવારને કેટલી રકમ આપવી તેનો નિર્ણય છ અઠવાડિયાં એટલે કે લગભગ દોઢ મહિનામાં લઈ લેવા પણ આદેશ કર્યો છે. 
ભારતમાં આફતમાં મોતને ભેટનારા લોકોના પરિવારને ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવાની જોગવાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતા કાયદામાં છે. આ કાયદા હેઠળ કોરોનાના કારણે મોતને ભેટનારાંને પણ વળતર આપવું જોઈએ એવી માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ હતી. પણ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને હાથ ખંખેરી નાંખ્યા હતા. મોદી સરકારે આ સૌગંદનામમાં કોર્ટ સમક્ષ જણાવ્યું હતુ કે, કોરોનાના મૃતકોના પરિવારોને વળતર આપી ના શકાય. કેમ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતો કાયદો કુદરતી આફતોને જ લાગુ પડે છે. જ્યારે કોરોના કુદરતી આફત નથી.  ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ વળતર આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે. મોદી સરકારની દલીલ હતી કે, રાજ્ય સરકારો કોરોનાના કારણે મોતને ભેટેલી દરેક વ્યક્તિના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયા વળતર આપવા જાય તો દેવાળું ફૂંકવાનો વારો આવે. 
દરેક રાજ્ય પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે જે પણ ફંડ હોય એ બધું કોરોનાના કારણે થયેલાં મોતના વળતરમાં જ વપરાય જાય તો રાજય સરકારને બીજી સહાય ચુકવવામાં મોટી મુશ્કેલી સર્જાય. તેથી ચાર-ચાર લાખ રૂપિયા વળતર આપવું તો કોઈ કાળે શક્ય જ નથી.  સુપ્રીમ કોર્ટે સરકારની આ દલીલ માન્ય રાખી છે અને ચાર-ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાંથી મુક્તિ આપી છે. પરંતુ આ સાથે સાથે એમ પણ કહ્યું છે કે, સરકાર સાવ હાથ ખંખેરી નાંખે તે પણ ચલાવી લેવાય તેમ નથી.કોર્ટે એનડીએમએને રાહત માટેનાં લઘુતમ ધારાધોરણ નક્કી કરવા પણ ફરમાન કર્યું છે. સાથે સાથે કોરોનાના કારણે મોતને ભેટેલાં લોકોના મૃત્યુના પ્રમાણપત્રમાં મોતનું કારણ કોરોના જ દર્શાવાયેલું હોય એ માટે યોગ્ય ગાઈડલાઈન બહાર પાડવા પણ કહ્યું છે. જેમને પ્રમાણપત્ર આપી દેવાયાં છે તેમાં કઈ રીતે સુધારો કરી શકાય એ માટેની ગાઈડલાઈન બહાર પાડવા પણ સુપ્રીમે તાકીદ કરી છે. 
વાસ્તવમાં સરકારે જવાબદારીથી છટકવા સાવ ધૂપ્પલ ચલાવેલું છે. કેમ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ હેઠળ ડિઝાસ્ટરની જે વ્યાખ્યા કરાઈ છે તેમાં કુદરતી અને માનવસર્જિત બંને પ્રકારની હોનારતોને આવરી લેવાઈ છે. સરકારે કોરોનાને નાથવા માટેનાં મોટાભાગનાં પગલાં પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જ લીધાં હતાં. સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટનો છૂટથી ઉપયોગ કરાયો હતો. આ જ સમયગાળામાં ઈંધણના ભાવને પણ આસમાને રાખીને સરકારે ટેક્સને નામે અબજો રુપિયા ખેંખરી લીધા છે. પરંતુ જયારે વળતરની વાત આવી ત્યારે સરકારે આ જ કોરોનાને ડિઝાસ્ટરમાં ગણવા માંગતી નથી. સરકારની આ લુચ્ચાઈના કારણે જ કોરોનાને ડિઝાસ્ટર નહીં ગણવાની દલીલ કરાતી હતી.  સુપ્રીમ કોર્ટે આ દલીલનો નકારી સ્પષ્ટ કરી દીધું છે કે કોરોના જેવો રોગચાળો પણ ડિઝાસ્ટર જ કહેવાય છે. અને તેને માટે વળતર આપવું જ પડે.
સરકારે આર્થિક જવાબદારીથી છટકવા માટે ગૂંચવાડો ઊભો કરવા ભારે ઉધામા કર્યા છે. પરંતુ સુપ્રીમ કોર્ટે સરકારની મનષા પર પાણી ફેરવી દીધું છે. સુપ્રિમ કોર્ટનું આ વલણ ન્યાયસંગત અને સરાહનીય છે. કારણ કે ભારત જેવા લોકતાંત્રિક દેશમાં ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ મેળવ્યા બાદ કોઈપણ શાસકો આ પ્રકારે મનમાની કરી શકે નહીં. સરકાર તો લોકહીત માટે જ હોય છે. સરકારે આવકનો સ્ત્રોત ઉભો કરવા અન્ય રસ્તા અપનાવવા જોઈએ અથવા તો પોતાના ખુદના ખર્ચ પર કાપ મુકવો જોઈએ.  સુપ્રીમ કોર્ટે આ ચુકાદા દ્વારા જે માનવીય અભિગમ બતાવ્યો છે તે ખરેખર બિરદાવવા લાયક છે.
સરકાર કોરોનાની સારવાર માટેની પૂરતી વયવસ્થા તો ના જ કરી શકી પણ આ નાનકડી હૂંફ આપવા પણ તૈયાર નહોતી એ આ ઘટના પરથી સ્પષ્ટ થઈ ગયું છે. આમ તો દેશમાં ઓક્સિજન અને દવા કે ઈન્જેકશન વિના સેંકડો લોકોના મોત થયા તે સમયે પણ સરકારે હાથ અદ્ધર કરી નાંખ્યા હતા. દવા, ઈન્જેકશન કે ઓક્સિજન માટે દર્દીના પરિવારે રઝળપાટ કરવી પડી હતી. આવા સમયે દેશમાં સરકાર છે કે કેમ તેવો સવાલ પણ લોકોમાંથી ઉઠી રહ્યો હતો. થોડા સમય પહેલાં જ આવેલા વાવાઝોડા વખતે જેમને નુકસાન થયું છે કે જે લોકોનાં મોત થયાં છે તેમના પરિવારને સરકારોએ વળતર આપ્યાં જ છે. જ્યારે કોરોનાના મામલે સરકાર પોતે સાવ હાથ અધ્ધર કરીને બેસી ગઈ હતી.  સુપ્રીમ કોર્ટે સરકારનો પણ વિચાર કર્યો જ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતા કાયદામાં ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવાની જોગવાઈ છે પણ અત્યારે દરેક પરિવારને આટલી મોટી રકમ આપવા પણ સુપ્રિમે દબાણ કર્યું નથી. હાલના સંજોગોમાં દરેક મૃતક દીઠ ચાર-ચાર લાખ રૂપિયા ચૂકવાય તો સરકારના માથે ૧૬૦૦૦ કરોડનો બોજ આવે તેમ છે. ભારત જેવા મોટા અર્થતંત્ર માટે ૧૬૦૦૦ કરોડ રૂપિયા વધારે નથી. પરંતુ અત્યારે સરકાર આર્થિક ભીંસમાં છે. તેથી  વાસ્તવિકતા સમજતા સુપ્રીમ કોર્ટે ચાર-ચાર લાખ રૂપિયાના બદલે સરકાર પોતે કોઈ ઉચ્ચક રકમ નક્કી કરે એવી તાકીદ કરી છે.