લદ્દાખ વિવાદમાં શાંતિની વાટાઘાટો નિષ્ફળ : ચીને આર્ટિલરી અને આર્મ્ડ યુનિટ ગોઠવ્યાં

June 01, 2020

લદ્દાખ : લદ્દાખમાં ચીન સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) આજુબાજુ ભારત અને ચીનના સૈન્ય પોત-પોતાના મોરચા પર અડગ છે. ચીન તરફથી નરમાઈના કોઈ સંકેત નથી અને ત્યાંનું સૈન્ય સતત તેની હાજરી વધારી રહ્યું છે. ભારતીય ક્ષેત્ર નજીક વિસ્તારોમાં ચીનના સૈનિક આર્ટિલરી અને આર્મ્ડ યુનિટ નિયુક્ત કરી રહ્યાં છે. વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે પૂર્વીય લદ્દાખમાં મોટી સંખ્યામાં ક્લાસ-એ વાહનો ચીનના સૈન્યની પાછળ જોઈ શકાય છે. આ વાહનોને એલએસીથી ૨૫-૩૦ કિ.મી. દૂર જ ગોઠવાયા છે, જેથી કેટલાક કલાકમાં જ તેને ભારતીય સરહદ સુધી લાવી શકાશે. તાજેતરના સમયમાં બંને દેશના સૈન્ય અનેક વખત આમને-સામને આવી ગયા છે.

વાસ્તવિક નિયંત્રણ રેખા પર બંને દેશના સૈન્ય તેમના મોરચાઓ પર અડગ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અનેક પ્રસંગો પર સૈન્ય એકબીજા સામે આવી ગયા. ખાસ કરીને ફિંગર ફોર વિસ્તાર જ્યાં મોટી સંખ્યામાં ચીનના સૈનિકો એકત્ર થયા છે અને ચીન આ સંપૂર્ણ વિસ્તાર પર તેનો દાવો કરવા લાગ્યું છે. ચીન એલએસી નજીક ભારત દ્વારા વિકસાવવામાં આવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિરોધ કરી રહ્યું છે અને તે અટકાવવાની તેની માગ છે. જોકે, ભારતનો દાવો છે કે પોતે ભારતીય સરહદની અંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી શકે છે.

સૂત્રોએ ઉમેર્યું કે બંને તરફથી અનેક વખત શાંતિ માટે વાટાઘાટો હાથ ધરાઈ હતી, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી. ત્યાં સુધી કે બંને દેશોમાં કમાન્ડિંગ ઓફિસર અને બ્રિગેડ સ્તરના અધિકારીઓ વચ્ચે વાટાઘાટો થઈ ચૂકી છે. પરંતુ હજી સુધી બંને પક્ષો પોતાના સ્થાન પરથી ટસથી મસ થતાં નથી. હવે મેજર જનરલ સ્તરે વાટાઘાટો થશે તેમ સૂત્રોનું કહેવું છે.

મે મહિનાના પહેલા સપ્તાહથી આ વિવાદ પર વાટાઘાટો ચાલી રહી છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં ચીન ઈરાદાપૂર્વક સમય પસાર કરવા માટે વાટાઘાટો ચલાવી રહ્યું હોય તેમ જણાય છે, જેથી તેને આ વિસ્તારમાં વધુ સૈનિકોની નિયુક્તિ માટે સમય મળે. ચીનના સૈન્યે આ વિસ્તારમાં આર્ટિલરી અને આર્મ્ડ યુનિટ ગોઠવી દીધાં છે. સૂત્રોનું કહેવું છે કે ચીનના જવાબમાં ભારતે પણ આ સરહદે તેનું સૈન્ય બળ વધાર્યું છે. લદ્દાખ સેક્ટરના અનેક ઊંચાણવાળા વિસ્તારોમાં સૈનિકો નિયુક્ત કરાયા છે. ચીનના પાંચ હજાર સૈનિકોના જવાબમાં ભારતે પણ તેનું સૈન્ય ઊભું કર્યું છે. સૂત્રોનું કહેવું છે કે જે વિસ્તારોમાં ચીનના સૈનિકો ઘૂસ્યા છે તેમનો સામનો કરવા માટે ભારતીય સૈન્ય મક્કમ છે અને તેમને કોઈપણ દિશામાં આગળ વધતા અટકાવાઈ રહ્યા છે. ભારતે લદ્દાખ નજીક નિયમિત ડિવિઝન ઉપરાંત વધારાના સૈનિકો પણ મોકલ્યા છે.