સુરતમાં સહારા દરવાજા શાક માર્કેટમાં લોકોનું કીડીયારું : ઓમિક્રોનની દહેશત છતાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર ઉમટી પડ્યા

December 05, 2021

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ફફડાટ વચ્ચે ધીમી ગતિએ સંક્રમણ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં ઓમિક્રોનનો એક કેસ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે તંત્ર દ્વારા સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક માટે લોકોને દંડ કરવામાં આવી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. શાકભાજી માર્કેટમાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વિના જોવા મળી રહ્યા છે.

ગુજરાતના જામનગરમાં ઓમિક્રોનની એન્ટ્રી થતા તંત્ર દોડતું થયું છે. સુરતમાં હજુ પણ લોકો બેરકારી દાખવી રહ્યા છે. સહારા દરવાજા વિસ્તાર ખાતે શાકભાજી માર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. શાકભાજી માર્કેટમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો નજરે પડી રહ્યો છે. સુરત પાલિકા અને પોલીસે કડક થવાની જરૂર લાગી રહી છે.

સુરતમાં કોરોના કેસની સ્થિતિ
શહેરમાં 5 અને જિલ્લામાં 0 કેસ સાથે શહેર જિલ્લામાં શનિવારે કોરોનાના વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 144066 થઈ ગઈ છે. ગત રોજ એક મોત નોંધાયું હતું. જોકે, પાલિકાની યાદીમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. શહેર જિલ્લામાં મૃત્યુઆંક 2116 છે. શનિવારે શહેરમાંથી 5 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141925 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 25 થઈ છે.