ફારુખ અબ્દુલ્લા સામેની PIL ફગાવાઈ:સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકારના અભિપ્રાયથી અલગ વિચાર રજૂ કરવો રાજદ્રોહ નથી

March 03, 2021

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સરકારના અભિપ્રાયથી અલગ વિચારને રાજદ્રોહ ન કહી શકાય. જસ્ટિસ કિશન કોલ અને હેમંત ગુપ્તાની બેન્ચે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લા સામેની અરજી નામંજૂર કરતાં જણાવ્યુ હતું. આ PIL જમ્મુ કાશ્મીરમાંથી કલમ 970 હટાવવા સામે અબ્દુલ્લાના નિવેદનને લઈને કરવામાં આવી હતી. પિટિશનમાં કહેવામા આવ્યું હતું કે અબ્દુલ્લાએ દેશ વિરુદ્ધ નિવેદન આપ્યું છે, આ માટે તેમને સાંસદ પદ પરથી દૂર કરવા જોઈએ.

કોર્ટે અબ્દુલ્લા વિરુદ્ધ દાખલ થયેલી અરજીને ફગાવી અરજદારો પર 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. અરજદાર રજત શર્મા અને કેટલાક અન્ય લોકો ફારૂક અબ્દુલ્લા સામે કોર્ટમાં પહોંચ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે અબ્દુલ્લાએ આર્ટિકલ 370 હટાવવા સામે ચીન અને પાકિસ્તાન પાસેથી મદદ માંગવાની વાત કરી હતી.

કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફારૂખ અબ્દુલ્લાએ એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ચીનની સહાયથી કાશ્મીરમાં કલમ 370ફરીથી લાગુ કરવામાં આવશે. જો કે તેમની પાર્ટી નેશનલ કોન્ફરન્સ(NC)એ આ દાવાને નકારી કાઢ્યા હતા.