PL-2021ની યાત્રા140 દિવસના વિરામ બાદ આજે ફરી શરૂ થશે, ધોનીની ટીમ પાસે નંબર 1 બનવાની તક

September 19, 2021

દુબઈ : કોરોના મહામારીને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2021)ની યાત્રા 2 મેના રોજ અટકી ગઈ હતી. હવે 140 દિવસના વિરામ બાદ UAEમાં આ ટુર્નામેન્ટ પૂરી કરવામાં આવશે. શરૂઆત થઈ રહી છે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેના મુકાબલાથી.

ભારતીય સમય અનુસાર, રવિવારે સાંજે 7:30 થી શરૂ થનારી આ મેચમાં બંને ટીમો માટે ઘણું બધું દાવ પર હશે. જો ચેન્નઈની ટીમ જીતે તો તે પોઈન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સને પાછળ છોડીને નંબર-1 પર આવશે.

અત્યારે દિલ્હીના 12 પોઈન્ટ અને ચેન્નાઈના 10 પોઈન્ટ છે. ચેન્નાઈનો નેટ રન રેટ દિલ્હી કરતા સારો છે, એટલા જ પોઈન્ટ સાથે તે દિલ્હીથી આગળ નીકળી જશે. સાથે જ મુંબઈની ટીમ જીતની સ્થિતિમાં ચોથાથી ત્રીજા સ્થાને પહોંચી જશે. મુંબઈના હાલ 8 પોઈન્ટ છે.

IPL-2021માં આ બંને ટીમોના અગાઉના મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ 4 વિકેટથી જીતી હતી. ચેન્નઈએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 218 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 6 વિકેટ ગુમાવી જીતનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. લક્ષ્યનો પીછો કરતા મુંબઈની આ સૌથી મોટી જીત હતી. અગાઉ તેણે 2017 માં પંજાબ કિંગ્સ સામે 199 રન કર્યા હતા.

મુંબઈએ છેલ્લી 9 મેચમાં ચેન્નઈને 7 મી વખત હરાવી હતી. કીરોન પોલાર્ડે 34 બોલમાં 87 * રનની શાનદાર ઇનિંગ રમીને ટીમને વિજય અપાવ્યો હતો. તેણે માત્ર 17 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ તે સિઝનની સૌથી ઝડપી ફિફ્ટી પણ હતી.

આ વખતે બંને ટીમો વચ્ચેની મેચ દુબઈમાં રમાશે. IPL-2020 અંતર્ગત તેમની વચ્ચે દુબઈમાં એક મેચ પણ રમાઈ હતી. ચેન્નઈએ તે મેચ 5 વિકેટે જીતી હતી. જો કે, મુંબઈની ટીમ તે આઈપીએલમાં પાછળથી ટાઇટલ જીતવામાં સફળ રહી હતી.