બ્રુનેઈની મસ્જિદ જોવા પહોંચ્યા PM મોદી

September 04, 2024

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈના બે દિવસીય પ્રવાસ પર છે, મંગળવારે પીએમ બ્રુનેઈની રાજધાની બંદર સેરી બાગવાન પહોંચ્યા હતા. પીએમ મોદીની બ્રુનેઈની મુલાકાત ખૂબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ કોઈ પણ ભારતીય વડાપ્રધાનની બ્રુનેઈની પ્રથમ મુલાકાત છે. બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 40 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીએ બ્રુનેઈમાં ભારતીય હાઈ કમિશનના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું.

પીએમએ હાઈ કમિશનને બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતીક ગણાવ્યું. તેમણે કહ્યું કે તે એનઆરઆઈની સેવા કરશે. કોટાના પત્થરોથી બનેલી હાઈ કમિશનની ઇમારત ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે. ત્યારબાદ પીએમ મોદી રાજધાનીમાં સ્થિત ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદ પહોંચ્યા.

ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદ બ્રુનેઈની બે રાષ્ટ્રીય મસ્જિદોમાંથી એક છે. આ સાથે, તે બ્રુનેઈનું રાષ્ટ્રીય પ્રતીક પણ છે. આ મસ્જિદ દેશની સૌથી મોટી અને સૌથી જૂની મસ્જિદોમાંની એક છે. મસ્જિદનું નામ ઓમર અલી સૈફુદ્દીન III (1914–1986), બ્રુનેઈના 28મા સુલતાન અને વર્તમાન રાજા સુલતાન હસનલ બોલ્કિયાના પિતાના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ મસ્જિદ દેશમાં ઇસ્લામિક આસ્થાનું પ્રતિક છે.