પીએમ મોદીએ આટકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ કર્યું, ભરત બોઘરાએ પીએમ મોદીને પાઘડી પહેરાવી, આરતીનું મિની નગારૂ ભેટ આપ્યું

May 28, 2022

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. સૌથી પહેલા જસદણના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ માટે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં હેલિકોપ્ટર મારફત આટકોટ જવા રવાના થયા હતા. આટકોટ પહોંચી મોદીએ હોસ્પિટલનું લોકર્પણ કર્યું હતું.

બાદમાં હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ નિહાળી હતી. હોસ્પિટલના સ્વપ્નદૃષ્ટા ડો.ભરત બોઘરાએ એક એક મશીનરીની જાણકારી મોદીને આપી હતી. બાદમાં સભાસ્થળે પહોંચતા કિર્તીદાને મોદીજી ભલે પધાર્યા...ના ગીત સાથે સ્વાગત કર્યું હતું. મોદીએ સ્ટેજ પરથી હાથ ઊંચો કરી જનમેદનીનો આવકાર ઝીલ્યો હતો. આટકોટમાં ભરત બોઘરાએ મોદીને પાઘડી પહેરાવી જસદણનું પ્રખ્યાત આરતીનું મિની નગારૂ ભેટમાં આપ્યું હતું.

મંચ પરથી ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, આજે સોનાનો સૂરજ ઊગ્યો છે. હું ભણતો ત્યારે સપનું હતું તે આજે સાકાર થયું છે. ગામડામાં નથી રહેતા વડાપ્રધાનના દિલમાં રહીએ છીએ. આ હોસ્પિટલમાં આવેલા દરેક લોકોને તંદુરસ્ત બનાવીને ફરી ઘરે મોકલીશું તેવી કામગીરી કરાશે.