PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આમંત્રણ આપ્યું, અમદાવાદમાં ટેસ્ટ મેચ જોવા આવી શકે

February 02, 2023

નવી દિલ્હી, : અમદાવાદમાં બોર્ડર- ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ચોથી ટેસ્ટ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9મી માર્ચે રમાવાની છે. આ મેચ દરમિયાન ભારતના વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બાનેસે પણ હાજર રહેશે. પીએમ મોદીએ એન્થની આલ્બાનેસેને આ મેચ જોવા માટેનું આમંત્રણ પાઠવ્યું હોવાની માહિતી મળી છે. આલ્બાનેસે ભારતમાં યોજાનાર ટ્રેડ ડેલિગેશનની સત્તાવાર મુલાકાતે આવનાર છે. 

સિડની ખાતે આલ્બાનેસેએ જણાવ્યું હતું કે, મને ભારતના વડાપ્રધાનના હોમ સ્ટેટમાં યોજાનાર ક્રિકેટ મેચ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વ્યાપારની તકો માટે અમારુ ડેલિગેશન ભારત જઈ રહ્યું છે. ક્રિકેટ લોકો અને તેમની પરંપરાઓને એક સાથે લાવે છે. તેમજ તે વૈશ્વિક સંબંધો કેળવવા માટે પણ મદદરૂપ થાય છે. જેથી હું આ મેચ અને ભારતની મુલાકાત માટે તત્પાર છું. માર્ચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ચાર ટેસ્ટ મેચ રમવા માટે ભારત આવશે. જેમાથી ચોથી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9થી 13 માર્ચ સુધી રમાશે. 

આલ્બાનેસે માર્ચના બીજા સપ્તાહમાં ભારત આવશે. દિલ્હી ખાતે યોજાનાર ટ્રેડ ડેલિગેશનની બેઠકમાં ભાગ લેશે. 2022ના મે મહિનામાં તેમણે વડાપ્રધાન બન્યા બાદ આ તેમની પ્રથમ ભારતની મુલાકાત છે. સપ્ટેમ્બરમાં પણ તેઓ ભારતની મુલાકાત લેશે. જેમાં તેઓ G20 સમિટમાં ભાગ લેશે. બંને દેશ વચ્ચે  ડિસેમ્બર 2022માં 50 બિલિયન ડોલરના ટ્રેડ અંગે હસ્તાક્ષર થયા હતાં.

ઓસ્ટ્રેલિયન ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારત આવશે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થશે. શ્રેણીની આગામી ત્રણ ટેસ્ટ મેચ દિલ્હી, ધર્મશાલા અને અમદાવાદમાં રમાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની તમામ મેચ જીતવી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ટીમ ઈન્ડિયા આ તમામ મેચ જીતી જશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની પ્રબળ દાવેદાર પણ બની જશે.