અફઘાન નાગરિકોને માનવતાવાદી સહાય આપવા PMની G-20ને હાકલ

October 13, 2021

ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તોળાઈ રહેલા માનવીય સંકટથી બચાવવાના ઉપાયો પર ચર્ચા કરવા ઇટલીના અધ્યક્ષ સ્થાને G-20 સમૂહના દેશોની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં ભારત સહિત G-20 સમૂહ દેશોના નેતાઓએ તેમના વિચારો વ્યકત કર્યા હતા. પીએમ મોદીએ G-20 સમીટને સંબોધતાં અફઘાનિસ્તાનને કટ્ટરપંથીઓ અને આતંકવાદનો સ્ત્રોત બનતા અટકાવવા પર ભાર મૂક્યો હતો.

બેઠક બાદ આ અંગે ટ્વિટ કરી પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તેઓએ અફઘાન નાગરિકોને તાત્કાલિક અને વિના વિક્ષેપે માનવતાવાદી સહાય મળે માટે હાકલ કરી હતી. પીએમ મોદીએ મહિલાઓ અને લઘુમતીઓને પણ સરકારમાં યોગ્ય સ્થાન આપવા માટે હાકલ કરી હતી. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, અફઘાનિસ્તાનની પરિસ્થિતિ સુધારવા માટેUNSC ઠરાવ 2593 પર આધારીત એકીકૃત આંતરરાષ્ટ્રીય પ્રતિભાવ જરુરી છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, આની સૌથી વધુ અસર ભારત જેવા પાડોશી દેશો પર પડશે.  યુરોપિયન યુનિયન વતી G-20માં હાજર રહેલા ઉર્સુલા વોન ડેર લેયને જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનને કફોડી સ્થિતિમાંથી બહાર લાવવા માટે ઈયુ દ્વારા એક અબજ યૂરોની સહાય કરવામાં આવશે.