POKના કાશ્મીરીઓને સ્વતંત્રતાનો નિર્ણય કરવાનો અધિકાર આપીશું : ઇમરાન ખાન

July 25, 2021

ઇસ્લામાબાદ : પાકિસ્તાનની કાશ્મીર નીતિ પર ગુલાંટ મારતા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને જણાવ્યું હતું કે, ઇસ્લામાબાદ કાશ્મીરના લોકોને પાકિસ્તાનમાં જોડાવું કે સ્વતંત્ર થવું તેનો નિર્ણય કરવાનો અધિકાર આપીશું. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ૨૫મી જુલાઈએ યોજાનારી ચૂંટણીના એક દિવસ પહેલાં તરાર ખાલ વિસ્તારમાં ચૂંટણી રેલીને સંબોધન કરતાં ઇમરાન ખાને જણાવ્યું હતું કે, તેમની સરકાર કાશ્મીરને પોતાનો એક પ્રાંત ઘોષિત કરવાની યોજના પર કામ કરી રહી છે તેવા વિપક્ષના એક અગ્રણી નેતાના દાવા ખોટા છે.

પીઓકેમાં ૧૮મી જુલાઈએ ચૂંટણી સભાને સંબોધન કરતાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના નેતા મરિયમ નવાઝે જણાવ્યું હતું કે, ઇમરાન ખાનની સરકારે કાશ્મીરનો દરજ્જો બદલીને તેને પાકિસ્તાનનો જ એક પ્રાંત જાહેર કરવાનો નિર્ણય લઈ લીધો છે.