પોર્ન ફિલ્મ કેસ : રાજ કુંદ્રા અને રયાન થોર્પેને ૨૩મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા 

July 21, 2021

મુંબઈ: પોર્ન ફિલ્મો બનાવવાના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાને મંગળવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા તેને અને તેના સાગરીત રયાન થોર્પેને ૨૩ જુલાઈ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રાજ કુંદ્રા અને રયાનને ભાયખલા જેલમાં મોકલવામાં આવ્યા છે. જાણકારોના મતે શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુંદ્રાના મોટાભાગના બિઝનેસમાં પાર્ટનર હોવાથી તેને પણ ટૂંક સમયમાં સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અત્યાર સુધીમાં ૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાણકારોના મતે પોર્નોગ્રાફી હેઠળ આવતા કેસમાં આઈટી કાયદા ૨૦૦૮ની કલમ ૬૭(એ), આઈપીસીની કલમ ૨૯૨, ૨૯૩, ૨૯૪, ૫૦૦, ૫૦૬ અને ૫૦૯ હેઠળ સજાની જોગવાઈ કરવામાં આવી છે. પોર્નોગ્રાફીમાં ગુનાની ગંભીરતાને જોતાં પહેલી વખત ઝડપાયેલા આરોપીને પાંચ વર્ષની જેલ અને ૧૦ લાખ સુધીનો દંડ થઈ શકે છે. બીજી વખત આ કેસમાં પકડાયેલા આરોપીને ૭ વર્ષ સુધીની સજા અને ૧૦ લાખનો દંડ થઈ શકે છે.