દેશમાં રિકવરીના કેસમાં પોઝિટિવ ટ્રેંડ;ફક્ત 1.8% વસ્તી સંક્રમિત થઈ, મહારાષ્ટ્ર-UP સહિત 6 રાજ્યમાં કેસ ઘટ્યા

May 18, 2021

નવી દિલ્હી : દેશમાં કોરોનાની લહેર હવે ધીમી પડી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે રિકવરીમાં સ્પષ્ટપણે પોઝિટિવ ટ્રેંડ જોવા મળી રહ્યો છે. એક્ટિવ કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. ફક્ત 8 રાજ્ય એવા છે જ્યાં દરરોજ 10,000થી વધારે કેસ આવી રહ્યા છે. 26 રાજ્યમાં નવા કેસ કરતા રિકવર થઈ રહેલા દર્દીની સંખ્યા વધારે છે. ફક્ત 8 રાજ્ય એવા છે કે જ્યાં 1 લાખથી વધારે એક્ટિવ કેસ છે. દેશમાં મંગળવારે પોઝિટિવિટી રેટ 14.10 ટકા નોંધાયો છે. સૌથી વધારે અસરગ્રસ્ત મહારાષ્ટ્ર, UP, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કેસ અને પોઝિટિવિટી રેટ સતત ઘટી રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે મંગળવારે જણાવ્યું હતું કે વિશ્વના અન્ય દેશોની તુલનામાં આપણે સારી સ્થિતિમાં છીએ. દેશની કુલ વસ્તીના 1.8 ટકા ભાગ જ આ બીમારીથી અસરગ્રસ્ત થયો છે. આપણે સંક્રમણનો ફેલાવો 2 ટકા કરતાં ઓછી વસ્તીમાં ફેલાતો અટકાવવામાં સફળ થયા છીએ.

તેમણે જણાવ્યું કે 3 મેના રોજ દેશમાં રિકવરીની એવરેજ 81.7 ટકા હતી. તે વધીને 85.60 ટકા થઈ ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 4,22,436 લોકો રિકવર થયા છે, જે દેશમાં અત્યાર સુધીની સૌથી વધારે રિકવરી છે. 15 દિવસથી કેસ સતત ઘટી રહ્યા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં 99,651 લોકો કોરોનાથી રિકવર થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં દરરોજ સરેરાશ 18 લાખથી વધારે ટેસ્ટ થઈ રહ્યા છે. સતત ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી કન્ટેનમેન્ટ ઝોન પર ફોકસ રાખવામાં આવ્યું છે. તેની અસર જોવા મળી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.63 લાખથી વધારે કેસ નોંધાયા છે. ભારતમાં 7 મેના રોજ સૌથી વધારે 4.14 લાખ કેસ સામે આવ્યા હતા. ત્યારથી નવા કેસમાં 27 ટકાનો ઘટાડો થયો છે. દેશના 199 જિલ્લા એવા છે કે જ્યાં 3 સપ્તાહથી સંક્રમણ ઓછું થઈ રહ્યું છે.