મહારાષ્ટ્રમાં તબાહીઃ 24 કલાકમાં ભૂસ્ખલન અને પૂરથી 112ના મોત, 99 ગાયબ

July 25, 2021

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આફત બનીને તૂટી પડ્યો છે. પ્રદેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરના કારણે 112 લોકોના મોત થયા છે અને 99 લોકો લાપતા છે. 

કોંકણના રાયગઢ ખાતે સૌથી વધારે તબાહી થઈ છે. જિલ્લામાં 3 જગ્યાઓએ ભૂસ્ખલનની ઘટના નોંધાઈ છે. મહાડના તલિયા ગામ ખાતે થયેલા ભૂસ્ખલન બાદ અત્યાર સુધીમાં કાટમાળમાંથી 52 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને 53 લોકો લાપતા છે. ઉપરાંત 33 લોકો ગંભીર રીતે ઘવાયા પણ છે. 

સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના અહેવાલ પ્રમાણે રાયગઢ, રત્નાગિરી, સાંગલી, સતારા, કોલ્હાપુર, સિંધુદુર્ગ અને પુણે ખાતે કાટમાળમાંથી અત્યાર સુધીમાં 112 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 53 લોકો ગંભીર રીતે ઘાયલ છે. તલિયે ગામ સિવાય રાયગઢ જિલ્લાના પોલાદપુર તાલુકામાં સુતારવાડી ખાતે ભૂસ્ખલનથી 5 લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ લાપતા છે અને 15 લોકોને ઈજાઓ પહોંચી છે. 

આ તરફ કેવલાલે ગામમાં પણ 5 લોકોના મોત થયા છે અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ છે. વશિષ્ઠી નદી પરનો પુલ વહી જવાના કારણે ચિપલૂન તરફનો રસ્તો સંપૂર્ણપણે અવરૂદ્ધ થયો છે. મુંબઈ-ગોવા મહામાર્ગ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે.