નવી સરકારની રચનાની તૈયારીઓ શરૂ, સીએમ સૈનીની કેબિનેટમાં આ હશે મંત્રી

October 09, 2024

વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ ભાજપ સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચંદીગઢથી દિલ્હી સુધી સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, સહ પ્રભારી બિપ્લબ કુમાર દેબે પૂર્વ સીએમ મનોહર લાલના ઘરે બેઠક યોજી હતી. પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ સીએમ સૈની સાથે વાત કરી હતી.

મળતી માહિતી અનુસાર સીએમ નાયબ સિંહ સૈની 12 ઓક્ટોબરે શપથ લઈ શકે છે. સીએમ પદ માટે નાયબ સિંહ સૈનીના નામ પર કોઈ શંકા જ નથી. ભલે કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત અને પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ મુખ્યમંત્રી પદ માટે દાવેદારી કરી રહ્યા છે.

હરિયાણામાં જીત મેળવ્યા બાદ કેન્દ્રીય મંત્રી મનોહર લાલે કહ્યું કે, હાઈકમાન્ડ અને ગૃહમંત્રીએ આ સંબંધમાં પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે, નાયબ સિંહ સૈની સીએમ બનશે. હરિયાણામાં ત્રીજી વખત સરકાર બનવાની સાથે જ કેબિનેટના ચહેરા પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. જૂની સૈની સરકારના આઠ મંત્રીઓની હાર બાદ હવે કેબિનેટમાં મોટાભાગે નવા ચહેરા હશે તે નક્કી થયું છે. જેમાં પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ, મૂળ ચંદ શર્મા અને મહિપાલ ધાંડા મંત્રી બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે.