ઇલિઝાબેથની અંતિમ ક્રિયામાં રાષ્ટ્રપતિ મુર્મુ મહારાણી ઉપસ્થિત રહેશે

September 14, 2022

- તેઓ 17 થી 19 સપ્ટેમ્બર સુધી ઇંગ્લેન્ડમાં રહેશે : દરમિયાન અન્ય દેશોના વડાઓને પણ મળશે તે સહજ છે
દિલ્હી :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાણી ઇલિઝાબેથ (બીજા)ની અંતિમ ક્રિયામાં હાજરી આપવા ઇંગ્લેન્ડ જવાના છે, અને તે દ્વારા ભારતનાં જનસામાન્ય તથા સરકાર વતી તેઓ ઇંગ્લેન્ડની જનતાને સાંત્વના સંદેશો પાઠવશે.


સુ.શ્રી. મુર્મુ તા. ૧૭મી સપ્ટેમ્બરથી ૧૯મી સપ્ટેમ્બર સુધી ઇંગ્લેન્ડમાં રહેવાના છે તે દરમિયાન તેઓ ત્યાં એકત્રિત થયેલા દુનિયાના મહાનુભાવોને પણ મળશે તે સહજ છે. તેઓની સાથે નાનું એવું સહાયક પ્રતિનિધિ મંડળ પણ રહેશે.


ઇંગ્લેન્ડના પૂર્વ વડાં અને કોમનવેલ્થ ઓફ નેશન્સનાં વડાં મહારાણી ઇલિઝાબેથ બીજાનું તા. ૮મી સપ્ટેમ્બરે નિધન થયું હતું તે સર્વવિદિત છે.


મહારાણીના નિધન પછી રાષ્ટ્રપતિએ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ઘનખડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇંગ્લેન્ડના નવનિયુક્ત રાજવી અને જનસામાન્યને શોકસંદેશા પાઠવ્યા હતા. વિદેશ મંત્રી એસ. જયશંકરે નવી દિલ્હી સ્થિત બ્રિટિશ હાઇકમિશનની ઑફિસે જઈ ભારત વતી શોકસંદેશો પાઠવ્યો હતો. તેટલું જ નહી પરંતુ ભારતે તા. ૧૧મી સપ્ટેમ્બરને રાષ્ટ્રીય શોક દિવસ પણ મહારાણીના માનમાં જાહેર કર્યો હતો.


વિદેશ મંત્રાલયે પ્રસિદ્ધ કરેલી એક સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે, મહારાણી ઇલિઝાબેથના ૭૦ વર્ષના 'શાસન' દરમિયાન ભારત ઇંગ્લેન્ડ સંબંધો આગળ વધ્યા હતા, વિકસ્યા હતા અને ઘણાં જ બળવત્તર પણ બન્યા હતા. કોમનવેલ્થના વડા તરીકે તેઓએ વિશ્વભરના કરોડો લોકોનાં કલ્યાણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.