યુકેના વડાપ્રધાન જોનસન પર રાજીનામું આપવા દબાણ, લોકપ્રિયતા ઘટી

January 14, 2022

સુનાક જોનસન કરતાં વધુ સારા PM સાબિત થઈ શકે છે: સર્વે

યુકે- કોરોના લોકડાઉનમાં દારૂની મહેફિલ અને પછી સંસદમાં મન-વિના માફી માંગ્યા બાદ વડા પ્રધાન બોરિસ જોનસન પર રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે. ભારતીય મૂળના નાણામંત્રી ઋષિ સુનાક પ્રથમ પસંદગી તરીકે ઉભરી આવ્યા છે. તેમની પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીના યુગોવ પોલ સર્વેમાં, 46 ટકા લોકોનું માનવું છે કે સુનાક જોનસન કરતાં વધુ સારા PM સાબિત થઈ શકે છે. જો સુનાક વડાપ્રધાન બને છે, તો કન્ઝર્વેટિવ પાર્ટી મે 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં વધુ બેઠકો મેળવી શકે છે.


કન્ઝર્વેટિવ પાર્ટીના 10માંથી છ મતદારોએ જોનસનની કામગીરીને નબળી ગણાવી છે. જોનસનની લોકપ્રિયતા ઘટીને 36% થઈ ગઈ છે. જોનસનની લોકપ્રિયતામાં આ ઘટાડો જુલાઈ 2020 પછીનો સૌથી મોટો ઘટાડો છે. તે દરમિયાન કરવામાં આવેલા સર્વેમાં જોનસનને તેમની પાર્ટીના 85 ટકા મતદારોનું સમર્થન હતું.


તાજેતરના એક સર્વેમાં ત્રીજા ભાગના મતદારોનું કહેવું છે કે જોનસને પદ છોડવું જોઈએ. બીજી તરફ, જ્યારે જોનસને લોકડાઉન પાર્ટીની વાત કબૂલી ત્યારબાદ બ્રિટનના આરોગ્ય સચિવ જોનાથન ટેમે ગુરુવારે રાજીનામું આપી દીધું હતું.