મેનીટોબાના પાર્કમાં લાગેલી આગ બુઝાવવા ગયેલા વોટર બોમ્બરને ડ્રોને અટકાવ્યું

July 24, 2021

  • ફાયર ફાઈટર્સે ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબૂ મેળવ્યો
  • ઓન્ટેરિયોની સરહદ નજીક હવે વધારાના પ્રતિબંધો અમલમાં આવશે

મેનીટોબા: મેનીટોબાના પૂર્વીય વિસ્તારમાં આવેલા જંગલ નજીકના વ્હાઈટ શેલ પ્રોવિન્શીયલ પાર્કમાં લાગેલી આગ બુઝાવવા આવેલા વોટર બોમ્બરના માર્ગમાં એક ડ્રોન આવી જતાં બોમ્બરે પાછા ફરી જવું પડયું હતું. આ ઘટના શનિવારે બની હતી જયારે બોમ્બર વિમાનના રૂટને આગની જવાળાઓથી બચાવવા માટે બદલવામાં આવ્યો અને વેસ્ટ હોક લેક નજીકથી પસાર થતું હતું. ત્યારે અચાનક એક ડ્રોન સામે આવી જતા વિમાને પાછા ફરી જવું પડયું હતું. જેને કારણે ઘટના સ્થળે હાજર અગ્નીશામક દળના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. 
મેનીટોબા વાઈલ્ડફાયર સર્વિસના આસિસ્ટન્ટ ડાયરેકટર ડોન હેલાટે જણાવ્યું હતુ કે, અચાનક કોઈકે ડ્રોન ઉડાડતા આ ઘટના બની હતી. 
જો કે, સ્થળ ઉપરના ફાયર ફાઈટર્સે પોતાની કામગીરી સારી રીતે બજાવીને આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. બીચ ઉપર આવનારા પ્રવાસીઓ જ ડ્રોન ઉડાડતા હોય છે. પણ એ વ્યકિત ઓળખાયો નહોતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, અમારા માણસોની કામગીરીને ધ્યાને લેવી જોઈએ અને જેમણે ડ્રોન ઉડાડયું, એની પણ નોંધ લેવાવી જોઈએ. જયાં આગ લાગવાની શકયતા હોય એવી જગ્યા નજીક ડ્રોન ઉડાડનારાઓ સામે કડક પગલા લેવાવા જોઈએ અને ગુનો દાખલ કરવો જોઈએ, તો જ ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય.વાતાવરણ એકદમ સુકુ હોવાથી આગની ઝડપ અને તીવ્રતા વધી જતી હોય છે અને એને કાબુમાં લેવાનું મુશ્કેલ બની જતું હોય છે. જંગલની આગની શકયતાને કારણે મેનીટોબા વિસ્તારમાં આગ પર પ્રતિબંધ છે. જેમાં વિનીપેગ સહિતની મ્યુનિસિપાલિટી અને બધા પાર્ક આવી જાય છે. ઓન્ટેરિયોની સરહદ નજીક હવે મંગળવારની સવારથી વધારાના પ્રતિબંધો અમલમાં આવશે. 
જેમાં વાઈલ્ડફાયર સર્વિસનો ચોથો એરિયા આવી જશે. મેનિટોબામાં અત્યાર સુધીમાં ૧૩૦ વાર જંગલમાં આગ લાગી ચુકી છે. એની અસર ઘણાં સ્થાનિક લોકો ઉપર પડી રહી છે.