વડાપ્રધાન મોદીએ કોરોના વેક્સિનને લઈને કરી સમિક્ષા બેઠક

November 21, 2020

નવીદિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિનને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક આયોજીત કરી. આ દરમિયાન તેમણે ભારતની વેક્સિન રણનીતિ વધુ આગળ વધારવાની પદ્ધતિની સમિક્ષા કરી. એ સિવાય તેમણે વેક્સિન વિકાસની પ્રગતિ, નિયમનકારી મંજૂરી અને ખરીદ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. જ્યારે વડાપ્રધાન મોદીએ વેક્સિનેશન રોલઆઉટ માટે વેક્સિનેટર અને ટેક્નિકલ પ્લેટફોર્મને જોડવા, HCW સુધી પહોંચવા, કોલ્ડ ચેન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિ માટે વસ્તી જૂથોની પ્રાથમિકતા જેવા જુદાં-જુદાં મુદ્દાની સમિક્ષા કરી. વડાપ્રધાન મોદીની આ સમિક્ષા બેઠકમાં PMO, નીતિ આયોગ, વિદેશ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય અને વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યાં. ભારતમાં ત્રણ કંપનીઓની કોરોના વેક્સિનનું ટ્રાયલ જુદાં-જુદાં તબ્ક્કામાં છે. જેમાં ભારત બાયોટેકના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થઈ ચુક્યું છે. જ્યારે હાલમાં દવા નિર્માતા કંપની ફાઈઝર અને મોર્ડનાએ કોરોના વેક્સિનના પોઝિટિવ પરિણામ અને વધારે અસરકારક હોવાનો દાવો કર્યો છે.
આરોગ્ય વિભાગના આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 45,882 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન 584 લોકોના મોત થયાં છે. દેશમાં સંક્રમણની ચપેટમાં આવનારા કુલ દર્દીઓની સંખ્યા 90,04,366 છે.