પ્રધાનમંત્રી મોદીએ ગતિ શક્તિ યોજના કરી લોન્ચ, જાણો તેનાથી શું થશે ફાયદો

October 13, 2021

Pનવીદિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે આર્થિક ક્ષેત્રો સાથે બહુસ્તરીય જોડાણ માટે 16 મંત્રાલયોને જોડતું ડિજિટલ પ્લેટફોર્મ પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના લોન્ચ કરી છે. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે, આજે 21મી સદીનું ભારત સરકારી તંત્રની જૂની વિચારસરણીને પાછળ રાખીને આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે રેલ અને રોડ સહિત 16 મંત્રાલયોને જોડે છે. જેમાં રેલવે, માર્ગ પરિવહન, જહાજ, IT, કાપડ, પેટ્રોલિયમ, ઉર્જા, ઉડ્ડયન જેવા મંત્રાલયોનો સમાવેશ થાય છે. આ મંત્રાલયોના ચાલુ પ્રોજેક્ટ્સ અથવા વર્ષ 2024-25 સુધીમાં પૂર્ણ કરવાની યોજનાઓને ગતિ શક્તિ યોજના હેઠળ મૂકવામાં આવશે. ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લીકેશન એન્ડ જિયો-ઇન્ફોર્મેટિક્સ (BISAG-N),  મંત્રાલય ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી (MEITY) એ ગતિ શક્તિ યોજનાની દેખરેખ માટે પ્લેટફોર્મ તૈયાર કર્યું છે.
કાર્યક્રમને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે દુર્ગાષ્ટમી છે, આજે સમગ્ર દેશમાં શક્તિ સ્વરૂપની પૂજા કરવામાં આવી રહી છે. શક્તિની આરાધનાના આ શુભ અવસર પર દેશની પ્રગતિની ગતિને બળ આપવા માટે શુભ કાર્ય કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય માસ્ટર પ્લાન 21 મી સદીના ભારતને મલ્ટીમોડલ કનેક્ટિવિટી અને નેક્સ્ટ જનરેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પ્રોત્સાહન આપશે. તેમણે કહ્યું, આજે આંતરરાષ્ટ્રીય પ્રદર્શન-કમ-કન્વેન્શન સેન્ટરમાં 4 પ્રદર્શન હોલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન કેન્દ્રો અમારા MSME અને ઉદ્યોગોને તેમના ઉત્પાદનો વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરું પાડશે.