પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ગરબે ઘુમશે:પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન અને રોડ શો કરશે

September 24, 2022

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે પ્રચાર માટે રાષ્ટ્રીય નેતાઓ હવે ગુજરાત પ્રવાસે અવવા લાગ્યા છે. હવે આ યાદીમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીનું નામ પણ ઉમેરાયું છે. નવરાત્રીમાં પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાતમાં પ્રિયંકા ગાંધી પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરીને રોડ શો કરશે. તેમજ અમદાવાદમાં ગરબામાં હાજરી આપશે.

રાહુલ ગાંધી અત્યારે ભારત જોડો યાત્રામાં સમય આપી રહ્યા છે ત્યારે પ્રિયંકા ગાંધી આગામી ચૂંટણીને લઈને ગુજરાત મુલાકાતે આવવાના છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે. નવરાત્રીના અંતિમ દિવસોમાં પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાતમાં સૌ પ્રથમ તેઓ પાવાગઢ દર્શન કરવા જશે.જે બાદ રોડ શો કરશે. અમદાવાદમાં ગરબામાં હાજરી આપીને ગરબા પણ રમશે.