સ્પાઈસજેટ પર 50% મર્યાદા સાથેની ફ્લાઈટ ઓપરેટ કરવાનો પ્રતિબંધ 29 ઓક્ટોબર સુધી લંબાવાયો

September 21, 2022

નવી દિલ્હી : દેશમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલ ફ્લાઈટના ફિયાસ્કા સંદર્ભે રેગ્યુલેટર ડીજીસીએસ સ્પાઈસજેટ પ્રત્યે કડક વલણ યથાવત રાખ્યો છે. ડીજીસીએએ બુધવારના નવા આદેશમાં સ્પાઈસજેટ એરલાઈન્સને સાવચેતીના ભાગરૂપે હાલમાં મર્યાદિત સંખ્યામાં ફ્લાઈટ્સ જ ચલાવવાનો આદેશ યથાવત રાખ્યો છે.

એરલાઈન રેગ્યુલેટર ડીજીસીએસના જણાવ્યા અનુસાર 'વધારાની સાવચેતી' તરીકે પ્રતિબંધો લંબાવવામાં આવ્યા છે. એરલાઇનને 29 ઓક્ટોબર, 2022 સુધીમાં માત્ર 50 ટકા એરક્રાફ્ટ ઓપરેટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈમાં સ્પાઈસજેટને ટેકનિકલ ખામીની અનેક ઘટનાઓને પગલે 8 સપ્તાહ સુધી કુલ ક્ષમતાના 50% કેપેસિટી સુધી જ ફ્લાઇટ ઓપરેટ કરવાનો આદેશ આપ્યો હતો. આ પ્રતિબંધ બાદ પણ સ્પાઈસજેટના ફ્લાઈટમાં ખામીઓ યથાવત રહી છે. 

જુલાઈના પ્રથમ સપ્તાહમાં દિલ્હીથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ ઈન્ડિકેટર લાઈટમાં ખામીને કારણે કરાચી તરફ ડાયવર્ટ કરવી પડી હતી. આ ઘટનાના બે દિવસ પહેલા મંગળવારે ગુજરાતના કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઈસ જેટ એરક્રાફ્ટની ઉપરની વિન્ડશિલ્ડમાં ફ્લાઇટ દરમિયાન તિરાડ પડી ગઈ હતી, જેના કારણે એરક્રાફ્ટનું તાત્કાલિક લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.