પુલવામાના વિસ્ફોટકો બનાવવા એમેઝોન પરથી ખરીદવામાં આવી હતી સામગ્રી

March 07, 2020

નવી દિલ્હી : આખા દેશને હચમચાવી નાંખનાર પુલવામાના આતંકવાદી હુમલાના કેસમાં એનઆઈએ(નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)દ્વારા વધુ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ પૈકીના એક વ્યક્તિએ વિસ્ફોટકો બનાવવા માટેના જરુરી કેમિકલ એમેઝોન પરથી ઓનલાઈન ખરીદયા હોવાનો સ્ફોટક ખુલાસો થયો છે.

એજન્સીએ શ્રીનગરમાં રહેતા 19 વર્ષના વજીર ઉલ ઈસ્લામ અને પુલવામાના મહોમ્મદ અબ્બાસ રાઠેરની ધરપકડ કરી છે. આ સાથે જ પુલવામા હુમલામાં પકડાયેલા લોકોની સંખ્યા પાંચ પર પહોંચી છે. આ પહેલા પિતા-પુત્રી તેમજ આત્મઘાતી હુમલાખોરના નજીકના બે વ્યક્તિઓને પણ પકડવામાં આવ્યા હતા.

 

તપાસ કરનાર અધિકારીનુ કહેવુ હતુ કે, પકડાયેલા ઈસ્લામે ખુલાસો કર્યો છે કે, વિસ્ફોટક બનાવવા માટે તેણે કેમિકલ, બેટરી અને બીજી વસ્તુઓ માટે એમેઝોનના ઓનલાઈન શોપિંગનો ઉપયોગ કર્યો હતો.જેનો સપ્લાય આતંકીઓ સુધી પહોંચાડ્યો હતો. પુલવામા હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા.જેનો બદલો લેવા માટે ભારતે બાદમાં બાલાકોટ એર સ્ટ્રાઈક કરીને આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી હતી.