143 કરોડના બોગસ બિલિંગમાં 17 કરોડની આઇટીસીનું કૌભાંડઃ પુંડરિક ત્રિવેદીની ધરપકડ

January 28, 2020

અમદાવાદ- સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગે, રૂ. ૧૪૨.૭૫ કરોડના બોગસ બિલિંગ અને રૂ. ૧૭.૩૩ કરોડની ઈન પુટ ટેક્સ ક્રેડિટ ગેરકાયદેસર તબદીલ કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા પુંડરિક રવિન્દ્ર ત્રિવેદીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરાયો હતો અને મહત્વના દસ્તાવેજો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.


GST અધિકારીઓએ, મે. અભિષેક એન્ટરપ્રાઈઝ અને મે. ચેમ્પીઅન ઈમ્પેક્ષ પ્રા. લિ.ની મકરબા, સેટેલાઈટ અને સી. જી. રોડ પરની ઓફિસ અને રેસીડેન્સિયલ પ્રિમાઈસીસ પર દરોડા પાડયા પછી વેજલપુર, વસ્ત્રાપુર, નારણપુરા, નાના ચિલોડા, ઉસ્માનપુરા અને પરિક્ષિતલાલનગરમાં ૬ કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.

ફક્ત કાગળ પર જ વ્યવહારો દર્શાવીને માલસામાન કે સર્વિસીસ પૂરી પાડયા વિના રૂ. ૧૪૨ કરોડ, ૭૫ લાખનું બોગસ બિલિંગ કૌભાંડ આચરીને રૂ. ૧૭ કરોડ, ૩૩ લાખની ITC તબદીલ કરી હતી. પુંડરિક ત્રિવેદી મે. અભિષેક એન્ટરપ્રાઈઝનો માલિક છે અને મે. ચેમ્પીઅન ઈમ્પેક્ષ પ્રા. લિ.નો ડિરેક્ટર છે. SGST વિભાગે, પુંડરિક ત્રિવેદીના રજિસ્ટ્રેશન રેકર્ડમાં દર્શાવેલ સેટેલાઈટ ખાતેના રહેઠાણ અને મકરબામાં આવેલ ઓફીસ પર તેમજ સી.જી. રોડ પરની ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. ભૂતકાળમાં કરોડોના કસ્ટમ્સ કૌભાંડમાં કસ્ટમ્સ વિભાગે પણ પું.ડરિક ત્રિવેદીની ધરપકડ કરી હતી.

પુંડરિક ત્રિવેદી સી. જી. રોડ ખાતેની ઓફિસથી ૨૦થી વધુ પેઢીઓ ઓપરેટ કરતો હતો. SGST વિભાગે અત્યાર સુધીમાં ૩૪૭ પેઢીઓમાં તપાસ કરીને રૂ.૧૧,૮૦૦ કરોડના બોગસ બિલિંગના વ્યવહારો શોધી કાઢીને ૩૭ શખ્સની ધરપકડ કરી છે.

ક્યાં, કોના પર દરોડા  
પેઢીનું નામ                  સ્થળ  
અભિષેક એન્ટરપ્રાઈઝ  સેટેલાઈટ, મકરબા
ચેમ્પીઅન ઈમ્પેક્ષ       સી.જી.રોડ
હનુમાન ટ્રેડર્સ                વેજલપુર
મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝ વસ્ત્રાપુર
પાર્શ્વ એન્ટરપ્રાઈઝ      નારણપુરા
નરેન્દ્ર કોર્પોરેશન        નાના ચિલોડા
નેન્સી ઈન્કોર્પોરેશન     ઉસ્માનપુરા
ગણેશ ટ્રેડિંગ કંપની     પરિક્ષિતલાલનગર