BSFની સત્તા વધતા જ પંજાબ અને પશ્ચિમ બંગાળની કાગારોળ

October 16, 2021

મોદી સરકારે બોર્ડર સીક્યુરિટી ફોર્સના અધિકારીઓને આપેલી વધારાની સત્તાના કારણે રાજકીય વર્તુળોમાં કકળાટ મચી ગયો છે. આ સાથે જ કેટલાક રાજ્યો અને કેન્દ્ર ફરી આમનેસામને આવે તેવી સ્થિતિ છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે બહાર પાડેલા જાહેરનામા પ્રમાણે પશ્ચિમ બંગાળ, પંજાબ અને આસામ એ ત્રણ રાજ્યોમાં આંતરરાષ્ટ્રીય સરહદથી ૫૦ કિલોમીટર અંદર સુધીના વિસ્તારમાં બોર્ડર સીક્યુરિટી ફોર્સના અધિકારીઓ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિને ત્યાં તપાસ કરી શકશે અને જડતી લઈ શકશે, જપ્તી કરી શકશે અને ધરપકડ પણ કરી શકશે. બોર્ડર સીક્યુરિટી ફોર્સના અધિકારીઓને અમિત શાહના ગૃહ મંત્રાલયે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર (સીઆરપીસી), પાસપોર્ટ એક્ટ અને પાસપોર્ટ (એન્ટ્રી ટુ ઈન્ડિયા) એક્ટ હેઠળ આ સત્તા આપી છે. આ ત્રણેય રાજ્યો પૈકી પંજાબમાં ભારત-પાકિસ્તાન સરહદ આવેલી છે. જ્યારે આસામ અને પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સરહદ આવેલી છે.
કેન્દ્ર સરકારની દલીલ છે કે, તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં ડ્રોન દ્વારા વિસ્ફોટકો ઉતારાયાં હતાં અને વિસ્ફોટ કરાયા હતા. તેના કારણે આપણી સુરક્ષા સામે ખતરો વધી જતા આ નિર્ણય લેવો પડ્યો છે. હવે મોદી સરકારની આ દલીલ સામે વિપક્ષે વાંધો લીધો છે. વિપક્ષનો આક્ષેપ છે કે, મોદી સરકાર બીએસએફનો ઉપયોગ વિપક્ષી સરકારોને પરેશાન કરવા કરી શકે છે. કારણ કે, જે સરહદી રાજ્યો છે ત્યાં હાલ બિનભાજપી સરકાર છે. મોદી સરકારના નિર્ણય સામે ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને પંજાબની સરકારે ભારે વિરોધ નોંધાવ્યો છે. કેમ કે, બંને રાજ્યોમાં ભાજપ વિરોધી પક્ષનું શાસન છે. આસામમાં ભાજપની સરકાર હોવાથી તે કેન્દ્રના કોઈ નિર્ણયનો વિરોધ કરે તેમ નથી.
બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ સત્તામાં છે. જ્યારે પંજાબમાં કૉંગ્રેસની સરકાર છે. તેથી બંને મેદાનમાં આવી ગયાં છે. આ નિર્ણય દ્વારા મોદી સરકાર રાજ્યોના અધિકારમાં દખલ કરી રહી છે એવો તેમનો દાવો છે. આ આક્ષેપમાં રાજકારણ છે કે નથી તેની વાત કરતા પહેલાં વાસ્તવિકતાને સમજવું જરુરી છે. બોર્ડર સીક્યુરિટી ફોર્સની રચના ભારત-પાકિસ્તાન વચ્ચેના ૧૯૬૫ના યુદ્ધ પછી કરાઈ હતી. ત્યારથી જ બોર્ડર સીક્યુરિટી ફોર્સ એક્ટ અમલમાં આવ્યો હતો. આ એક્ટ પ્રમાણે સરહદ પરનાં તમામ રાજ્યોમાં આંતરરાષ્ટ્રીય સરહદથી અંદરના ચોક્કસ વિસ્તારમાં બોર્ડર સીક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના અધિકારીઓ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિને ત્યાં તપાસ કરી શકે છે, જડતી લઈ શકે છે, જપ્તી કરી શકે છે અને ધરપકડ પણ કરી શકે છે. આ કાયદો પશ્ચિમ બંગાળ, પંજાબ અને આસામમાં અમલી હતો જ. ઉત્તર-પૂર્વનાં રાજ્યો નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, મણિપુર અને લદ્દાખમાં પણ અમલી છે. ગુજરાત અને રાજસ્થાન આ બંને પશ્ચિમનાં સરહદી રાજ્યોમાં પણ આ કાયદો અમલમાં છે જ. તેથી મોદી સરકારે કોઈ નવો કાયદો બનાવ્યો નથી. માત્ર કેટલા વિસ્તાર લગી બોર્ડર સીક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના અધિકારીઓને સત્તા આપવી તેમાં ફેરફાર કરાયો છે.
અત્યાર સુધી દરેક રાજ્ય માટે અલગ અલગ નિયમ હતો. રાજસ્થાનમાં ૫૦ કિલોમીટર સુધીના વિસ્તારમાં બીએસએફના અધિકારીઓને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિને ત્યાં તપાસ, જડતી, જપ્તી અને ધરપકડની સત્તા હતી. ગુજરાતમાં આ સત્તા ૮૦ કિલોમીટર સુધીના વિસ્તારમાં હતી. જ્યારે પંજાબ, આસામ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં ૧૫ કિલોમીટરના વિસ્તારમાં આ સત્તા બીસીએસએફને અપાઈ હતી. મોદી સરકારે હવે ઉત્તર-પૂર્વનાં રાજ્યો સિવાય બાકીનાં તમામ રાજ્યોમાં એકસરખી ૫૦ કિલોમીટર વિસ્તારમાં બીએસએફને સત્તા આપી દીધી છે.
આ નવા નિયમ પ્રમાણે પંજાબ, આસામ, પશ્ચિમ બંગાળમાં ૧૫ કિલોમીટરની મર્યાદા વધારીને ૫૦ કિમી કરાઈ છે. જ્યારે ગુજરાતમાં ૮૦ કિલોમીટરની મર્યાદા ઘટાડીને ૫૦ કિમી કરાઈ છે. જેથી આખા દેશની સરહદે એક સરખો નિયમ લાગુ થયો છે. રાજસ્થાનમાં ૫૦ કિલોમીટરની મર્યાદા પહેલાં હતી જ તેથી તેમાં ફેરફાર કરવાનો સવાલ પેદા નહોતો થતો. ઉત્તર-પૂર્વનાં રાજ્યો નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, મણિપુરમાં કોઈ મર્યાદા રખાઈ નથી. હવે બિન ભાજપ શાસિત રાજ્યોએ લીધેલા વાંધા કે વિરોધને સમજીએ તો પંજાબ અને બંગાળ બંનેએ આ નિર્ણયને દેશના ફેડરલ એટલે કે સમવાય તંત્ર પર પ્રહાર ગણાવીને આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવા શાહને વિનંતી કરી છે. તેમની દલીલ સાવ ખોટી નથી. કેમ કે, સરહદથી પચાસ કિલોમીટર અંદરના વિસ્તારમાં ઘણો મોટો વિસ્તાર આવી જાય તેમ છે. આ વિસ્તારમાં બીએસએફની સત્તા હોય તેનો અર્થ એ થાય કે, બીએસએફ કાયદો અને વ્યવસ્થાને મામલે પોલીસને સમાંતર તંત્ર ચલાવાશે. 
બીજો મુદ્દો એ પણ છે કે, બીએસએફની જવાબદારી દેશની સરહદોની સુરક્ષા કરવાની છે અને બીએસએફ અસરકારકતાથી સરહદોની સુરક્ષા કરે તો અંદર કોઈ ઘૂસી ના શકે. સરહદ પર જ જડબેસલાક બંદોબસ્ત હોય તો અંદર કોઈ આવી શકે નહીં. મોદી સરકારે જે ઘટનાનો હવાલો આપ્યો છે તેમાં સરહદ પારથી ડ્રોન છેક શ્રીનગર એરપોર્ટ સુધી આવી પહોંચ્યા હતા. જૂન મહિનામાં સળંગ બે દિવસ આવી ઘટના બની હતી. પહેલી ઘટનામાં જમ્મુ અને કાશ્મીરના જમ્મુ એરપોર્ટના ટેક્નિકલ એરિયામાં ઈન્ડિયન એરફોર્સના બેઝ પાસે ઘૂસેલાં બે ડ્રોનના કારણે ઉપરાછાપરી બે વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટકો કઈ રીતે આવી ગયાં એ મામલે હજુ ભારતનું સુરક્ષા તંત્ર અંધારામાં છે. બીજી ઘટનામાં જમ્મુના રત્નુચાક-કાલુચાક મિલિટરી એરીયામાં બીજાં બે ડ્રોન ફરતાં દેખાયાં હતાં.
રત્નુચાક-કાલુચાક જમ્મુના બહારના ભાગમાં આવેલી લશ્કરી છાવણી છે અને બ્રિગેડ હેડક્વાર્ટર છે. રત્નુચાક-કાલુચાક મિલિટરી એરીયામાં રાત્રે ચોકી કરી રહેલા જવાનો સાબદા હતા. એટલે તેમણે ડ્રોન ચકરાવા લઈ રહ્યાં છે તેની જાણ પોતાના ઉપરીઓને કરીને ફાયરિંગ શરૂ કરી દીધું હતુ. તેના કારણે ડ્રોન થોડીવારમાં ભાગી ગયાં હતા. પરિણામે કોઈ દુર્ઘટના ના બની. આ ઘટના એ વાતનો પુરાવો હતો કે, જરાક નાની ચુક પણ દેશને મોટી ખુવારી કે નુકસાન કરી શકે છે. હવે બીએસએફને વધારે સત્તા આપવાથી એ બધું રોકી શકાશે એમ મોદી સરકારને લાગે છે.  ખેર વાત ભલે ગમે તે હોય પરંતુ આ મુદ્દો દેશની સુરક્ષાનો હોવાથી સરહદનાં રાજ્યો જડ વલણ છોડીને થોડાં ફ્લેક્સિબલ થઈ જશે તો તેમાં કશું ખાટુંમોળું થઈ જવાનું નથી. આ નિર્ણય પાછળ મોદી સરકારના રાજકીય ઈરાદાનો આક્ષેપ થાય છે. પરંતુ તે અંગે ચોક્કસ કહી શકાય તેમ નથી. હાલમાં કેન્દ્રમાં મોદી સરકાર સત્તામાં છે એટલે દેશની સુરક્ષા તેની સૌથી મોટી જવાબદારી અને પ્રાથમિકતા છે. વિરોધ કરી રહેલાં રાજ્યોએ આ વાત સમજવી જોઈએ અને સુરક્ષાના મામલે લેવાતા કોઈ પણ નિર્ણયમાં સહકાર આપવો જોઈએ.