પંજાબઃ 60 વિદ્યાર્થીનીઓના સ્નાન કરતા સમયના વીડિયો લીક કરનારી યુવતીની ધરપકડ

September 18, 2022

યુવતીએ પોતે દબાણવશ વીડિયો મોકલતી હોવાનો દાવો કર્યો
મોહાલી- પંજાબના મોહાલી ખાતે એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 60 જેટલી વિદ્યાર્થીનીઓના હોસ્ટેલમાં સ્નાન કરતા સમયના વીડિયો લીક કરનારી વિદ્યાર્થીનીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી યુવતી એમબીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.  
વિદ્યાર્થીનીઓના આ પ્રકારના અંગત વીડિયો વાયરલ થયા બાદ શનિવાર સાંજથી જ હોસ્ટેલના કેમ્પસમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા. જોકે આજ રોજ પોલીસે કથિત રીતે વીડિયો ઉતારીને તેને લીક કરનારી વિદ્યાર્થીનીની ધરપકડ કરી ત્યાર બાદ પ્રદર્શનોનો અંત આવ્યો છે. 


આ પ્રકારે 60 જેટલી વિદ્યાર્થીનીઓના વીડિયો વાયરલ થયા બાદ 8 જેટલી વિદ્યાર્થીનીઓએ આત્મહત્યા કરવા માટે પ્રયત્ન કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. જોકે પોલીસ પુછપરછ દરમિયાન આરોપી યુવતીએ પોતે માત્ર પોતાનો વીડિયો જ મોકલ્યો હોવાનો દાવો કર્યો છે. માટે તેના ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. આ પ્રકારે વીડિયો બનાવનારી યુવતીની હોસ્ટેલની અન્ય વિદ્યાર્થીનીઓ અને મહિલા અધિકારી દ્વારા પણ પુછપરછ કરવામાં આવી હતી. પુછપરછમાં આરોપી વિદ્યાર્થીની પોતે દબાણમાં આવીને આ પ્રકારના વીડિયો બનાવતી હોવાનું જણાવે છે. સાથે જ તેણે પોતાના ફોનમાં શિમલામાં રહેતા તે યુવકનો ફોટો પણ દેખાડ્યો હતો. પોલીસે સોશિયલ મીડિયા દ્વારા વીડિયો લીક કરનારા યુવકને પકડવા માટે એક ટીમને શિમલા મોકલી છે.