કોરોનાને નાથવા 20 હજાર ટોસિલીઝુમેબના ઈન્જેક્શનનો ખરીદી

July 07, 2020

ગાંધીનગરઃ હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. તેવામાં ટોસિલોઝુમેબ ઈન્જેક્શન ગંભીર દર્દીઓને બચાવવામાં આશીર્વાદરૂપ બને છે. પણ આ ઈન્જેક્શનની ઘણી અછત હોવાથી હાલ તેની તંગી સર્જાઈ છે. આ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ટોસિલીઝુમેબના 20 હજાર નવા ઈન્જેક્શનની ખરીદી પૂર્ણ કરી દેવામાં આવી છે. ડે. સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સને સંબોધીને જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિમાં સરકારે આગમચેતી સ્વરૂપે પગલા લીધા છે. કોર ગ્રુપની બેઠક દરરોજ આયોજિત થાય છે. સતત નવી દવાઓ અને સાધનોની ખરીદી થઇ રહી છે. એક ઇન્જેક્શન 45 હજાર રૂપિયાનું આવે છે અને તેની તંગી પણ ખુબ હોવા છતા સરકાર સતત તેની ખરીદી કરી રહી છે. 20 હજાર નવા ઈન્જેક્શનની ખરીદી પૂર્ણ થઈ છે. ડોક્ટર્સની સલાહ અનુસાર તેનો વપરાશ પણ છુટથી થઇ રહ્યો છે. આ ઇન્જેક્શન વિશ્વમાં માત્ર એક જ કંપની બનાવે છે. સરકાર આ ઇન્જેક્શન વિના મુલ્યે જરૂર અનુસાર ઉપયોગ કરે છે. ઉલ્લેખનીય છે કે, નવસારીના સાંસદ સી.આર.પાટીલે ઈન્જેક્શનને લઈ આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેને પત્ર લખ્યો હતો. ઈન્જેક્શનનો મોટો જથ્થો સુરત-નવસારીની હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચાડવા માટે ભલામણ કરી હતી.