વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક રેલવે-ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂકી રાજધાની એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ; ટ્રેન સહિત તમામ યાત્રિકો સુરક્ષિત

January 15, 2022

વલસાડ : વલસાડના અતુલ રેલવે સ્ટેશન પાસે રેલવે એક ટિખળખોરે સિમેન્ટનો પોલ રેલવે-ટ્રેક પર મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. સાંજે ટ્રેન 7.10 વાગ્યે પસાર થતાં સિમેન્ટના પોલને છૂંદી કાઢ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ રેલવે અધિકારી, સુરત રેન્જ DG સહિત વલસાડ પોલીસ અને રેલવેની GRP અને RPF સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઘટનાને પગલે રાજધાની બાદની તમામ ટ્રેનને 5 મિનિટ મોડી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ટ્રેન સહિત તમામ યાત્રિકો સુરક્ષિત છે.

ટ્રેન કે યાત્રિકને કોઈ નુકસાન નહીં. વલસાડના અતુલ રેલવે સ્ટેશન પાસે શુક્રવારે સાંજે ટીખળખોરે તારખૂંટાનો નજીક પોલ ઉખાડી અમદાવાદ તરફના રેલવે-ટ્રેક પર પોલ મૂક્યો હતો. એ ટ્રેક પરથી પસાર થતી રાજધાની ટ્રેને સિમેન્ટના પોલને તોડી નાખ્યો હતો અને ટ્રેનના યાત્રીઓને કે ટ્રેનને કોઈ નુકસાન પહોંચ્યું નહોતું. આ ઘટના અંગે રાજધાની એક્સપ્રેસ ટ્રેનના પાયલોટ મહમદ સિદ્દીકીએ અતુલ રેલવે સ્ટેશન પર સ્ટેશન માસ્તરને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ GRP, RPF અને વલસાડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઘટનાની ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી હતી. રાજધાની જેવી VIP ટ્રેનના સમયે કયાં કારણોથી રેલવે-ટ્રેક પર પોલ મૂકવામાં આવ્યો હતો એ અંગે તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરી બાતમીદારોને સતર્ક કરીને ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ મેળવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.