પુતિન વિરોધી નાવલ્ની મોતના મુખ તરફ ધકેલાયા

April 26, 2021

  • સામ્યવાદી દેશ રશિયામાં રાજકીય વિરોધને દબાવી દેવાની ક્રુર નીતિ અત્યંત જોખમી
  • રશિયામાં પુતિન વિરુદ્ધ બોલવું જોખમભર્યું છે પરંતુ એલેક્સી હંમેશા અવાજ ઉઠાવતા રહ્યાં છે તેથી તેમની લોકપ્રિયતા એ હદે વધી છે કે, તેઓ આજે સોશિયલ મીડિયાના સ્ટાર બની ગયા છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કટ્ટર વિરોધી એલેક્સી નાવાલ્નીને અચાનક જેલમાંથી હોસ્પિટલમાં ખસેડાયા હોવાના અહેવાલો છે. નાવાલ્નીના ડોકટરોએ આ ઘટના પાછળ તેની નાદૂરસ્ત તબિયતને જવાબદાર ગણાવી છે. જોકે, નાવાલ્ની સામે નાણાની હેરફેરનો ગંભીર આરોપ મુકાયો હોવાથી તેને જેલમાં ધકેલી દેવાયા હતા. જે બાદ જેલમાં તેમની તબિયત લથડવા માંડી હતી. આમ છતાં તેમને ડોકટરને મળવાની પરવાનગી અપાતી ન હતી. આખરે તેમણે ભૂખ હડતાળ કરતા તબિયત વધુ લથડી હતી.

ગત વર્ષે નાવાલ્નીને ઝેર આપીને મારી નાંખવા પ્રયાસ પણ થયો હતો. ઝેર અપાયા બાદ નાવાલ્નીની તબિયત લથડી અને તેઓ કોમામાં જતાં રહ્યાં હતા. આખરે તેમને સારવાર માટે જર્મની લઇ જવામાં આવ્યાં. મહિનાઓ સુધી કોમામાં રહ્યાં બાદ છેવટે તેમનું સ્વાસ્થ્ય સુધર્યું અને તેઓ રશિયા પાછા ફર્યા હતા. પરંતુ રશિયામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. હકીકતમાં ૪૪ વર્ષના નાવાલ્ની પુતિનના સૌથી કટ્ટર વિરોધી મનાય છે. વકીલમાંથી નેતા બનેલા નાવાલ્ની રાજકારણમાં આવ્યા ત્યારથી પુતિનના વિરોધી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી રશિયાના રાજકારણમાં અનેક વખત કેટલાક નેતાઓને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાના બનાવો બની ચૂક્યા છે. રાષ્ટ્રપતિ પુતિનના વિરોધીઓને પણ આ પ્રકારને નિશાન બનાવાયા હોવાના આક્ષેપો ઉઠી ચૂક્યા છે.

બે વર્ષ પહેલા રશિયાના ભૂતપૂર્વ જાસૂસ સર્ગઇ સ્ક્રીપાલ અને તેમની પુત્રી ઉપર બ્રિટનમાં કેમિકલ હુમલો થયો હતો. ત્યારપછી તેમની તબિયત લાંબો સુધી સમય ગંભીર રહી હતી. જો કે, બાદમાં બંને પિતા-પુત્રીનો જીવ બચી ગયો હતો. અગાઉ શીતયુદ્ધના દોરમાં બલ્ગેરિયાના વિદ્રોહી નેતા મારકોવને ઝેરી છત્રી વડે ઇજા પહોંચાડવામાં આવી હતી. જે પછી તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તે વખતે હુમલા પાછળ રશિયાની જાસૂસી સંસ્થા કેજીબીનો હાથ હોવાનો આક્ષેપ થયો હતો.  વર્ષ ૨૦૧૬માં કેજીબીના જ ભૂતપૂર્વ જાસૂસ એલેક્ઝાન્ડર લિતવિનેકોએ લંડનની એક હોટલમાં ગ્રીન ટી પીધી હતી. જેમાં પોલોનિયમ-૨૧૦ નામનો ઝેરી પદાર્થ મળ્યો હતો. લિતવિનેકોનું મૃત્યુ નીપજ્યું એ વખતે પણ એવા આરોપ લાગ્યા હતાં કે, તેમની હત્યા પુતિનના કહેવાથી થઇ હતી. નવેમ્બર ૨૦૧૨માં લંડનમાં એલેક્ઝાન્ડર પેરેપીલિછની નામના રશિયન શખ્સ તેમના નિવાસસ્થાને મૃત અવસ્થામાં મળી આવ્યાં હતા. તેમણે રશિયાના મનીલોન્ડરિંગના મામલાની તપાસમાં મદદ કરી હતી અને એ પછી તેમને રશિયામાંથી ભાગી જવું પડયું હતું. તેમના મોતમાં પણ રશિયાનો હાથ હોવાના આરોપો ઉઠયા હતા.

બે વર્ષ પહેલા પણ નાવાલ્નીએ દાવો કર્યો હતો કે, પ્રદર્શનો બાદ તેમને જેલમાં પૂરવામાં આવ્યાં, ત્યારે ત્યાં તેમને ઝેર આપવામાં આવ્યું હતું. ગયા વર્ષે મોસ્કોમાં સરકાર વિરોધી પ્રદર્શનો કર્યા બાદ નાવાલ્નીને એક હજાર લોકો સાથે અટકાયતમાં લેવામાં આવ્યા હતાં. પરંતુ આંખોમાં પીડા અને ચામડીના રંગોમાં ફેરફારની ફરિયાદ સાથે તેમને બીજા જ દિવસે હોસ્પિટલમાં દાખલ કરવા પડયાં હતાં. રશિયામાં અન્ય વિપક્ષી નેતાઓની જેમ નાવાલ્નીની પણ છાશવારે ધરપકડ કરાય છે. રાજકીય કારણોસર વિરોધીઓને પરેશાન કરવામાં આવે છે. ૨૦૧૭માં કેટલાક લોકોએ તેમના ચહેરા પર કેમિકલ નાખી દેવાયું હતું. જેમાં તેમની એક આંખને નુકસાન થયું હતું. થોડા સમય પહેલા પુતિને બંધારણમાં સુધારો કરીને વર્ષ ૨૦૩૬ સુધી સત્તામાં રહેવાની જોગવાઇ કરી લીધી છે. જાણકારોનું માનવું હતું કે, છેક ૧૯૯૯થી રશિયાની કમાન સંભાળનારા પુતિન કાં તો ફરી વડાપ્રધાન બને અથવા તો પોતાના માટે એક નવા પદનું સર્જન કરે અથવા તો પડદાની પાછળ રહીને જ શક્તિશાળી ભૂમિકા ભજવતા રહેશે. છેલ્લા બે દાયકાથી પુતિન સતત રશિયાના વડાપ્રધાન અથવા તો રાષ્ટ્રપતિ તરીકે સત્તામાં છે.

જોસેફ સ્ટાલિન બાદ પુતિન રશિયા અથવા તો સોવિયેતના બીજા કોઇ પણ નેતા કરતા સૌથી વધારે વખત સત્તામાં રહેનારા નેતા છે. સ્ટાલિને લગભગ ૨૬ વર્ષ સુધી સોવિયેત સંઘનું નેતૃત્ત્વ કર્યું હતું. બંધારણમાં ફેરફાર માટે પુતિને રાષ્ટ્રવ્યાપી મતદાનની દરખાસ્ત મૂકી હતી. આમ તો રશિયાની જનતા છેલ્લા પાંચ વર્ષથી આવકમાં વધારો ન થવાના કારણે અથવા તો આવક ઘટતી જવાના કારણે પરેશાન હતી. બીજી બાજુ પેન્શન મળવાની વયને વધાર્યા બાદ લોકોમાં નારાજગી પણ હતી અને પુતિનની લોકપ્રિયતામાં ઘટાડો થયો હતો. તેમ છતાં પુતિનને બંધારણમાં તેમના મનગમતા સુધારા કરાવવાથી ન તો જનતા રોકી શકી કે ન તો વિપક્ષ રોકી શક્યો. ૬૭ વર્ષીય પુતિનનો રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ ૨૦૨૪ સુધીનો હતો અને હવે પુતિન ૮૩ વર્ષની વય સુધી રાષ્ટ્રપતિપદે રહેશે. એક અઠવાડિયા સુધી ચાલેલા જનમત સંગ્રહમાં રશિયાના ૭૮ ટકા લોકોએ પુતિનને રાષ્ટ્રપતિપદે રહેવા માટેની અનુમતિ આપી હતી.

વિપક્ષનો આક્ષેપ છે કે જનમત સંગ્રહમાં ચેડાં કરીને પુતિને બંધારણને પોતાની મરજી મુજબ બદલ્યું છે. પુતિનનો વિરોધ કરનારાઓમાં એક બુલંદ અને મજબૂત અવાજ અલેક્સી નાવાલ્નીનો છે. ૨૦૦૮માં એક બ્લોગ લખીને રશિયાના રાજકારણ અને સરકારી કંપનીઓના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનારા નાવાલ્ની આજે વિપક્ષી નેતાઓમાં સક્ષમ મનાય છે.

એ પછી તો તેમના બ્લોગ અનેક લોકોના રાજીનામાનું કારણ બન્યાં હતા. જે રશિયાના રાજકારણમાં દુર્લભ ગણાય એવી બાબત છે. ૨૦૧૧માં નાવાલ્નીની પહેલી વખત ધરપકડ થઇ હતી. મોસ્કોની સંસદ બહાર થયેલા પ્રદર્શનો બાદ તેમને ૧૫ દિવસની સજા થઇ હતી. ચૂંટણીમાં પુતિનની પાર્ટીનો વિજય તો થયો, પરંતુ સોશિયલ મીડિયા પર ચૂંટણી દરમિયાન થયેલી ગેરરીતિની તસવીરો પોસ્ટ થયા બાદ પુતિનની ભારે નાલેશી થઇ હતી. વર્ષ ૨૦૧૨માં પુતિનના ફરી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ નાવાલ્નીના ભૂતકાળની તપાસ કરીને આરોપો ઘડી કાઢવામાં આવ્યાં અને પાંચ વર્ષની સજા ફટકારાઈ હતી. જોકે તેમને બીજા જ દિવસે મુક્ત કરી દેવાયા હતા. કારણ કે, તેમની વિરુદ્ધના અપરાધો ઉચ્ચ અદાલતમાં પુરવાર ન થઇ શક્યાં. અનેક અવરોધ છતાં ૨૦૧૩માં નાવાલ્નીએ મોસ્કોના મેયર તરીકે ચૂંટણી લડી હતી. જોકે પુતિનના સહયોગી સર્ગેઇ સોબ્યાનિન સામે તેમની હાર થઇ છતાં પુતિન વિરુદ્ધની તેમની લડાઇ વધારે મજબૂત થતી રહી. પુતિનના વિરોધી હોવાના નાતે રશિયાના સરકારી ટેલિવિઝન પર તેમના માટે પ્રતિબંધ પણ લદાયો હતો. પરંતુ સોશિયલ મીડિયા અને બ્લોગ દ્વારા નાવાલ્નીએ પુતિન વિરુદ્ધ લડત ચાલુ રાખી હતી. પુતિન અને તેમના સહયોગીઓ પર આકરા કટાક્ષ કરવાની કાર્યશૈલીને કારણે આજે પણ રશિયામાં તેમના યુવાન પ્રશંસકોની સંખ્યા મોટી છે.

વર્ષ ૨૦૧૬માં નાવાલ્નીએ રશિયાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પુતિન વિરુદ્ધ ઝંપલાવવાનું નક્કી કર્યું હતુ. પરંતુ તેમના પર અનેક આરોપો મૂકીને તેમને ચૂંટણીમાં ભાગ લેતા અટકાવવામાં આવ્યાં હતા. ૨૦૧૭માં ફરી તેમની જૂની પાંચ વર્ષની સજા ફરી લાગુ કરવાની હિલચાલ કરવામાં આવી જેની સુનાવણી હજુ ચાલુ છે. ફેબ્રુઆરી ૨૦૧૭માં તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આરંભેલા પ્રદર્શનો ભારે અસરકારક રહ્યાં હતા. જોકે ફરી વખત તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા. ૨૦૧૭ના જ એપ્રિલમાં તેમના ચહેરા પર કેમિકલ ફેંકવામાં આવ્યું જેમાં તેમની આંખને નુકસાન થયું હતુ.  સામ્યવાદી દેશ રશિયામાં પુતિન વિરુદ્ધ બોલવું ભારે જોખમભર્યું છે પરંતુ એલેક્સી હંમેશા પુતિન વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહ્યાં છે. એટલા માટે રશિયામાં તેમની લોકપ્રિયતા પણ ઘણી છે.