AAPનો પોલીસને પ્રશ્ન, ભાજપના નેતાઓ વિરૂદ્ધ ફરિયાદ ક્યારે નોંધશો

February 29, 2020

નવી દિલ્હી : પાટનગર નવી દિલ્હીના હિંસાકાંડ અંગે આપના એક નેતાએ દિલ્હી પોલીસને સવાલ કર્યો હતો કે તમે ભાજપના નેતાઓ સામે ક્યારે એફઆઇઆર નોંધવાના છો.

આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંઘે પોલીસને અણિયાળો સવાલ પૂછતાં કહ્યું હતું કે હિંસા ભડકે એવાં ઉશ્કેરણીજનક વિધાનો ભાજપના નેતાઓએ કર્યા હતા. એમની સામે કેમ કોઇ પગલાં લેતાં નથી ?

દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં આશરે 650 વ્યક્તિની ધરપકડ કરી હતી અને લગભગ 150 એફઆઇઆર નોંધી હતી. રાતોરાત બદલી કરાયેલા દિલ્હી હાઇકોર્ટના જજ એસ મુરલીધરે પણ પોલીસને આવો સવાલ કર્યો હતો કે ભડકામણાં વિધાનો કરનારા ભાજપના નેતાઓ સામે કેમ પગલાં લેવાયાં નથી.

24મી ફેબ્રુઆરીની રાતથી દિલ્હીના ઉત્તર પૂર્વ વિસ્તારમાં ચાંદબાગ સહિત ઘણાં સ્થળે હિંસાનું તાંડવ ફેલાયું હતું. કેટલીક સ્કૂલો આખેઆખી બાળી નાખવામાં આવી હતી. સંખ્યાબંધ વાહનો સળગાવી દેવામાં આવ્યાં હતાં. આપના કોર્પોરેટર  તાહિર હુસૈનના મકાનના ધાબામાંથી અસંખ્ય પેટ્રોલ બોમ્બ, ઢગલાબંધ પથ્થરો અને એસિડની બાટલીઓ મળી આવી હતી.